દિલ્હીમાં સેલ્સમૅન તરીકે કામ કરીને મુંબઈમાં યશસ્વીને પૉકેટમની મોકલતા તેજસ્વીએ બન્ને મોટી બહેનનાં લગ્ન પણ કરાવ્યાં : હવે ૨૭ વર્ષની ઉંમરે ત્રિપુરા વતી રમીને રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું
ત્રિપુરા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે તેજસ્વી જાયસવાલ.
બાવીસ વર્ષના ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલના ૨૭ વર્ષના મોટા ભાઈ તેજસ્વી જાયસવાલે ક્રિકેટના મેદાન પર જબરદસ્ત વાપસી કરી છે. ઑક્ટોબર ૨૦૨૪માં ત્રિપુરા માટે રણજી ટ્રોફીમાં રમીને તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. ઑક્ટોબરમાં તેણે મેઘાલય સામે પહેલી મૅચમાં ૧૩ રન અને મુંબઈ સામે ૪ રન ફટકાર્યા હતા, જ્યારે નવેમ્બરની શરૂઆતમાં તેણે બરોડા સામે ૮૨ રનની ઇનિંગ્સ રમીને એક વિકેટ પણ ઝડપી હતી. ૭ વર્ષ બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરનાર તેજસ્વીએ યશસ્વીની સફળતા પાછળ જબરદસ્ત યોગદાન આપ્યું છે.
એક ઇન્ટરવ્યુમાં તેજસ્વીએ કહ્યું હતું કે જ્યારે તેણે ત્રિપુરા માટે રમવાનું શરૂ કર્યું ત્યારે યશસ્વીએ મેસેજ કર્યો કે તમે અમારા બધા માટે તમારાં સપનાં છોડી દીધાં, ઘણું બલિદાન આપ્યું; હવે તમારો સમય છે એનો આનંદ લો.
ADVERTISEMENT
૨૦૧૨માં ઉત્તર પ્રદેશના ભદોહીના હાર્ડવેરની દુકાનના માલિક ભૂપેન્દ્ર જાયસવાલના બન્ને દીકરા ક્રિકેટર બનવા મુંબઈ આવ્યા હતા. આઝાદ મેદાન ખાતે ગ્રાઉન્ડ્સમેનના ટેન્ટમાં તેઓ સાથે રહ્યા હતા. પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે એક જ ભાઈ ક્રિકેટમાં આગળ વધી શકે એમ હતું.
બન્ને માટે મુંબઈ મોંઘું પડી રહ્યું હતું અને બે ટાઇમનું ભોજન પણ મેળવવું મુશ્કેલ બની રહ્યું હતું ત્યારે ૨૦૧૩ના અંત સુધીમાં તેજસ્વીએ ક્રિકેટર બનવાનું સપનું છોડી દીધું. દિલ્હીમાં ડેકોરેટિવ લાઇટ વેચતા તેમના સંબંધીના સ્ટોરમાં સેલ્સમૅન તરીકે કામ કરતા મોટા ભાઈ તેજસ્વીએ નાના ભાઈ યશસ્વીને પૉકેટમની મોકલીને તેની ભારતીય ક્રિકેટર બનવાની જર્નીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ૨૦૨૧ સુધીમાં તેણે બન્ને મોટી બહેનનાં લગ્ન પણ કરાવી દીધાં હતાં. ૨૦૨૦માં યશસ્વીને રાજસ્થાન રૉયલ્સ તરફથી ૨.૪૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ પણ મળ્યો. પરિવારની આર્થિક સ્થિતિ સુધરતાં મોટા ભાઈ તેજસ્વીએ ૭ વર્ષ બાદ ફરી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે.
હાલમાં જ તેજસ્વીને દિલ્હીમાં તેના જૂના સ્ટોર પર જવાની તક મળી હતી. તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને મારા ભાઈ પર ખૂબ ગર્વ છે. હું મારા ભાઈના કારણે ફરી ક્રિકેટ રમી રહ્યો છું અને મને આનંદ થાય છે જ્યારે લોકો કહે છે કે જુઓ, યશસ્વી જાયસવાલનો મોટો ભાઈ જઈ રહ્યો છે.’