પહેલી ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં હોવા છતાં પાકિસ્તાન સામે જીતી નહોતું શક્યું ન્યુ ઝીલૅન્ડ
શુક્રવારે સરફરાઝ અહમદની વિકેટની ઉજવણી કરતા ન્યુ ઝીલૅન્ડની ટીમના ખેલાડીઓ.
ન્યુ ઝીલૅન્ડના નવા ટેસ્ટ કૅપ્ટન ટીમ સાઉધીએ પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં હોવા છતાં વિજય મેળવવામાં નિષ્ફળ જતાં પોતાની રણનીતિનો બચાવ કર્યો
હતો. ઇમામ ઉલ-હકે (૯૬ રન) વિકેટકીપર સરફરાઝ અહમદ (૫૩ રન) સાથે પાર્ટનરશિપ કરીને યજમાન ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.
પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે છેલ્લા દિવસે દાવ ડિક્લેર કરીને ન્યુ ઝીલૅન્ડને વિજય માટે ૧૩૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ખરાબ પ્રકાશને કારણે મૅચને વહેલી મોકૂફ રાખવામાં આવી ત્યારે ન્યુ ઝીલૅન્ડે એક વિકેટના ભોગે ૬૧ રન કર્યા હતા. મૅચ પૂરી થયા બાદ સાઉધીને પૂછવામાં આવ્યું કે તમે પહેલી ઇનિંગ્સમાં દાવ ડિક્લેર કરવામાં વધુ વિલંબ કર્યો હતો તો એના જવાબમાં સાઉધીએ કહ્યું કે પિચથી બોલરોને કોઈ પણ પ્રકારની મદદ નહોતી મળી રહી. જોકે અમે ઘણું સારું ક્રિકેટ રમ્યા.’ ન્યુ ઝીલૅન્ડે કેટલીક તકો પણ ગુમાવી હતી.
બીજી ટેસ્ટમાં એન્ટ્રી ફ્રી
કરાંચીમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં દર્શકોની પાંખી હાજરીને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા સોમવારથી શરૂ થનારી બીજી ટેસ્ટમાં દર્શકોને મફતમાં ટેસ્ટ જોવા માટે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે તેઓ પ્રીમિયમ, ફર્સ્ટ ક્લાસ અને જનરલ વર્ગની બેઠકમાં બેસીને મૅચ જોઈ શકશે. આ ઉપરાંત ક્રિકેટ બોર્ડ દ્વારા સ્થાનિક સ્કૂલોનો પણ સંપર્ક કરવામાં
આવ્યો છે.