ઝિમ્બાબ્વેએ ચાર વિકેટે ૩૪૪ રન બનાવ્યા, ગૅમ્બિયા ૫૪ રને ઑલઆઉટ થતાં ૨૯૦ રને ઐતિહાસિક જીત મેળવી T20 ઇન્ટરનૅશનલનો હાઇએસ્ટ સ્કોર અને સૌથી મોટી જીતનો રેકૉર્ડ ઝિમ્બાબ્વેના નામે થયો, સિકંદર રઝા ૩૩ બૉલમાં ૧૦૦ રન ફટકારી ઝિમ્બાબ્વેનો પહેલો T20 સેન્ચુરિયન બન્યો
સિકંદર રઝા
કેન્યાના નૈરોબીમાં T20 વર્લ્ડ કપ 2026ના આફ્રિકા ક્વૉલિફાયરની ગ્રુપ Bની મૅચ દરમ્યાન ઝિમ્બાબ્વેની ટીમે નેપાલના બે મહારેકૉર્ડ તોડીને ઇતિહાસ રચ્યો હતો. પહેલી બૅટિંગ કરતાં ઝિમ્બાબ્વેની ટીમે ચાર વિકેટે ૩૪૪ રન ફટકાર્યા હતા જેની સામે ગૅમ્બિયાની ટીમ ૧૪.૪ ઓવરમાં ૫૪ રને ઑલઆઉટ થતાં ઝિમ્બાબ્વેએ ૨૯૦ રને જીત મેળવી હતી.
આ મૅચમાં નેપાલના બે મહારેકૉર્ડ તૂટ્યા હતા. ૨૦૨૩ની એશિયન ગેમ્સ દરમ્યાન નેપાલે મૉન્ગોલિયા સામે ત્રણ વિકેટે ૩૧૪ રનનો સ્કોર ફટકાર્યો હતો, જવાબમાં મૉન્ગોલિયા ૪૧ રને ઑલઆઉટ થતાં નેપાલે ૨૭૩ રને જીત મેળવી હતી. હવે આ ઐતિહાસિક પ્રદર્શનને આધારે ઝિમ્બાબ્વેની ટીમે T20 ઇન્ટરનૅશનલનો હાઇએસ્ટ સ્કોર અને સૌથી મોટી જીતનો નેપાલનો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે.
ADVERTISEMENT
ઝિમ્બાબ્વેએ આ મૅચમાં ૩૦ ચોગ્ગા અને ૨૭ છગ્ગા ફટકાર્યા એટલે કે ૨૮૨ રન માત્ર બાઉન્ડરી દ્વારા જ આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં હૈદરાબાદમાં બંગલાદેશ સામે ભારતના છ વિકેટે ૨૯૭ રનને વટાવીને ઝિમ્બાબ્વે તમામ ટેસ્ટ રમતા દેશોમાં T20માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમ પણ બની છે. કૅપ્ટન સિકંદર રઝાએ આ મૅચમાં ૩૩ બૉલમાં ૧૦૦ રન ફટકાર્યા હતા જેના કારણે તે ઝિમ્બાબ્વેનો પહેલો T20 સેન્ચુરિયન બન્યો છે. ૧૩૩ રનની અણનમ ઇનિંગ્સ રમીને તે પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો છે.
સિકંદર રઝા
રન ૧૩૩
બૉલ ૪૩
ચોગ્ગા ૦૭
છગ્ગા ૧૫
સ્ટ્રાઇક-રેટ ૩૦૯.૩૦

