શનિવારે ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ઇન્ડિયા કૅપિટલ્સ સામેની મૅચમાં પાર્થિવે ઉપયોગી ૨૪ રન કરીને ગુજરાત જાયન્ટ્સની જીતમાં યોગદાન આપ્યું હતું
T20 Legends League
પાર્થિવ પટેલ અને વીરેન્દર સેહવાગ
નિવૃત્ત ખેલાડીઓ અને કરીઅર પર જેમનું પૂર્ણવિરામ લગભગ મુકાઈ ગયું છે એવા ખેલાડીઓ વચ્ચેની ટી૨૦ લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)માં ગઈ કાલે રેસ્ટ-ડે હતો, પરંતુ સોમવારના ત્રીજા દિવસે હરભજન સિંહના નેતૃત્વમાં મણિપાલ ટાઇગર્સ ટીમ સતત બીજી મૅચ હારી હતી અને એ પરાજય ખાસ કરીને ગુજરાત જાયન્ટ્સના પાર્થિવ પટેલ (૩૪ રન, ૧૭ બૉલ, એક સિક્સર, છ ફોર)ની આક્રમક ફટકાબાજીને કારણે થયો હતો. પાર્થિવે એ પહેલાં મણિપાલના ઓપનર શિવાકાન્ત શુક્લાને રનઆઉટ કરવા ઉપરાંત કૉરી ઍન્ડરસનને તિલકરત્ને દિલશાનના બૉલમાં સ્ટમ્પ-આઉટ કર્યો હતો.
શનિવારે ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ઇન્ડિયા કૅપિટલ્સ સામેની મૅચમાં પાર્થિવે ઉપયોગી ૨૪ રન કરીને ગુજરાત જાયન્ટ્સની જીતમાં યોગદાન આપ્યું હતું. એ પહેલાં તેણે હરીફ ટીમના રજત ભાટિયા (૦)નો કૅચ પણ પકડ્યો હતો.
ADVERTISEMENT
સોમવારની મૅચમાં દિલશાન અને અશોક ડિન્ડાની બે-બે વિકેટને લીધે મણિપાલ ટાઇગર્સ ટીમનો સ્કોર (૧૨૦/૮) મર્યાદિત રહ્યો હતો. ગુજરાત જાયન્ટ્સે ૧૭.૨ ઓવરમાં ૮ વિકેટે ૧૨૧ રન બનાવી લીધા હતા. કૅપ્ટન વીરેન્દર સેહવાગ (૧ રન) ફરી સારું નહોતો રમી શક્યો. તેને ઝિમ્બાબ્વેના ક્રિસ ઍમ્પોફુએ આઉટ કર્યો હતો. કેવિન ઓબ્રાયને ૨૩ રન અને થિસારા પરેરાએ બાવીસ રન બનાવ્યા હતા, પરંતુ દિલશાન ઍમ્પોફુના બૉલમાં ઝીરોમાં જ ક્લીન બોલ્ડ થયો હતો. પાર્થિવ અને પરેરા પ્રેશરના સમયમાં મહત્ત્વની ઇનિંગ્સ રમ્યા હતા.
મણિપાલનો કૅપ્ટન હરભજન સિંહ, મુથૈયા મુરલીધરન અને પરવિન્દર અવાનાએ બે-બે વિકેટ લીધી હતી, પરંતુ તેમનો આ પર્ફોર્મન્સ ટીમને જિતાડવા પૂરતો નહોતો. રાયન સાઇડબૉટમને વિકેટ નહોતી મળી.
પાર્થિવ પટેલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. ગુજરાત જાયન્ટ્સ ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ૪ પૉઇન્ટ સાથે મોખરે છે. આજે ભીલવાડા કિંગ્સ અને ઇન્ડિયા કૅપિટલ્સ વચ્ચે મૅચ રમાશે.
3
પાર્થિવ પટેલે ભૂતપૂર્વ બ્રિટિશ બોલર રાયન સાઇડબૉટમની ઓવરમાં સતત આટલા બૉલમાં ફોર ફટકારી હતી. ઍમ્પોફુની પછીની ઓવરમાં પણ પાર્થિવે એક સિક્સર ઉપરાંત આટલી ફોર ફટકારી હતી.
લેજન્ડ્સ લીગની બહુ સારી શરૂઆત થઈ. કેવિન ઓબ્રાયને સદી ફટકારી અને અમારા બોલર્સ પણ સારું રમી રહ્યા છે. હું ફરી એકવાર મારી બૅટિંગથી મારા ચાહકોને મનોરંજન પૂરું પાડવા માગું છું. અમારી ગુજરાત જાયન્ટ્સ ટીમ જ ટ્રોફી જીતશે એવી મને આશા છે. : વીરેન્દર સેહવાગ