હૉન્ગકૉન્ગ મંગળવારે અફઘાનિસ્તાને આપેલા ૧૮૯ રનના ટાર્ગેટ સામે ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૯૪ રન જ બનાવી શક્યું હતું
બંગલાદેશનો કૅપ્ટન લિટન દાસ, હાૅન્ગકૉન્ગનો કૅપ્ટન નિઝાકત ખાન
અબુ ધાબીમાં T20 એશિયા કપ 2025ના ત્રીજા મુકાબલામાં આજે આબુ ધામીમાં (રાતે ૮ વાગ્યે) બંગલાદેશ અને હૉન્ગકૉન્ગ વચ્ચે ટક્કર જામશે. મંગળવારે ટુર્નામેન્ટની પ્રથમ મૅચમાં અફઘાનિસ્તાન સામે ૯૪ રનથી મળેલી હારથી ભારે હતાશ થનાર હૉન્ગકૉન્ગ આજે કમબૅક કરવા આતુર હશે; જ્યારે ૨૦૧૨, ૨૦૧૬ અને ૨૦૧૮ એમ ત્રણ-ત્રણ વાર આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરવા છતાં એકેય વાર ચૅમ્પિયન ન બની શકનાર બંગલાદેશ આજે સૉલિડ જીત મેળવીને નવા જોશ સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવા ઉત્સુક હશે.
હૉન્ગકૉન્ગ મંગળવારે અફઘાનિસ્તાને આપેલા ૧૮૯ રનના ટાર્ગેટ સામે ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૯૪ રન જ બનાવી શક્યું હતું. માત્ર બે જ બૅટરો ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યા હતા. આજે બોલરો અને બૅટરોએ આ હતાશાને ભૂલીને નવા ગેમપ્લાન સાથે મેદાનમાં ઊતરવું પડશે. બીજી તરફ બંગલાદેશ શ્રીલંકા, પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સ સામેની છેલ્લી ત્રણેય T20 સિરીઝ જીતીને જોશમાં છે અને આજે જીતનો એ લય જાળવી રાખીને શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામેના ટફ મુકાબલા પહેલાં યોગ્ય ટીમ-કૉમ્બિનેશન મેળવી લેવાની યોજના બનાવી રહ્યું હશે.
ADVERTISEMENT
હૉન્ગકૉન્ગ યાદ કરશે ૨૦૧૪ની કમાલને
હતાશ હૉન્ગકૉન્ગની ટીમે આજે ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે ૨૦૧૪ T20 વર્લ્ડ કપમાં બંગલાદેશ સામેની શાનદાર જીતને યાદ કરવી પડશે. ગ્રુપ સ્ટેજના આ મુકાબલામાં બંગલાદેશ ૧૬.૩ ઓવરમાં માત્ર ૧૦૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને હૉન્ગકૉન્ગે ૧૯.૪ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને યાદગાર જીત મેળવી લીધી હતી. જોકે એ વિનિંગ ટીમના માત્ર બે ખેલાડીઓ (બાબર હયાત અને નિઝાકત ખાન) આજે હૉન્ગકૉન્ગની ટીમમાં સામેલ છે.
