મુંબઈના કૅપ્ટન શ્રેયસ ઐયરને સાથી ખેલાડી પર અતૂટ વિશ્વાસ છે
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે મુંબઈનો કૅપ્ટન શ્રેયસ ઐયર.
IPLના મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેલો મુંબઈનો બૅટર પૃથ્વી શૉ જેટલી ઝડપથી ઊભરી આવ્યો એટલી જ ઝડપથી હાંસિયામાં ધકેલાઈ ગયો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તે નવ મૅચમાં એક પણ ફિફ્ટી પ્લસ સ્કોર વગર ૧૯૭ રન બનાવી શક્યો હતો, પરંતુ શ્રેયસ ઐયર તેને સૌથી ટૅલન્ટેડ પ્લેયર માને છે.
ADVERTISEMENT
મુંબઈના કૅપ્ટન શ્રેયસ ઐયરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીત્યા બાદ કહ્યું હતું કે ‘મને લાગે છે કે તે કુદરતી રીતે ટૅલન્ટેડ પ્લેયર છે. તેની પાસે એટલી પ્રતિભા છે જે બીજા કોઈમાં નથી. તેણે માત્ર શિસ્ત પર કામ કરવું પડશે. આમ કરીને તે ઊંચાઈઓને સ્પર્શી શકે છે. તે બાળક નથી, તે ઘણું ક્રિકેટ રમ્યો છે, દરેક તેને સલાહ આપે છે. અંતે તેણે એ શોધવું પડશે જે તેના માટે યોગ્ય છે. તે પહેલાં પણ આવું કરી ચૂક્યો છે. તેણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને વિચારવું પડશે તો એનો જવાબ તેને જાતે જ મળી જશે. કોઈ તેને કંઈ પણ કરવા દબાણ કરી શકે નહીં.’
પ્લેયર આૅફ ધ ટુર્નામેન્ટ અજિંક્ય રહાણેને કેમ કર્યું સૅલ્યુટ?
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ૪૬૯ રન ફટકારીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનેલા અનુભવી બૅટર અજિંક્ય રહાણે માટે શ્રેયસ ઐયર કહે છે કે ‘રહાણે એવો પ્લેયર છે જે ટીમ માટે ૧૧૦ ટકા આપશે. તેણે ચોથા નંબરથી શરૂઆત કરી અને જ્યારે સૂર્યકુમારે ટીમમાં વાપસી કરી ત્યારે તેણે પોતાનું સ્થાન છોડી દીધું. ત્યાર બાદ તેણે ઓપનર તરીકે ઇનિંગ્સની શરૂઆત કરી. જે રીતે દરેક મૅચમાં તેનું વલણ હતું, તેને સલામ.’