લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે ઑસ્ટ્રેલિયન મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું
જસપ્રીત બુમરાહ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની નેતૃત્વક્ષમતાથી પ્રભાવિત થયા છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં પર્થ અને સિડની ટેસ્ટ-મૅચમાં તેના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે કાંગારૂઓને જબરદસ્ત પડકાર આપ્યો હતો.
લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે ઑસ્ટ્રેલિયન મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘બુમરાહ ટીમનો આગામી કૅપ્ટન બની શકે છે. તે ખૂબ જ જવાબદારી સાથે ટીમનું નેતૃત્વ કરે છે, તેની છબિ ખૂબ સારી છે. તેનામાં કૅપ્ટનના ગુણો છે અને તે એવી વ્યક્તિ નથી જે તમારા પર બિનજરૂરી પ્રેશર લાવે. કેટલીક વાર તમારી પાસે એવા કૅપ્ટન હોય છે જે તમારા પર ઘણું દબાણ લાવે છે. બુમરાહ બીજાઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ જે કામ માટે નૅશનલ ટીમમાં છે એ કામ કરે, પરંતુ તે કોઈ પર પ્રેશર કરતો નથી અને અન્ય ફાસ્ટ બોલરો સાથે તે એકદમ શાનદાર રહ્યો છે. મિડ-ઑફ, મિડ-ઑન પર ઊભો રહ્યો. દરેક વખતે તે તેમને કહેવા અને માર્ગદર્શન આપવા માટે હાજર રહેતો હતો. મને લાગે છે કે તે એકદમ શાનદાર હતો અને જો તે ખૂબ જ જલદી જવાબદારી સંભાળે તો મને આશ્ચર્ય થશે નહીં.’