Sunil Gavaskar Helps Vinod Kambli: મુંબઈમાં કોચ રમાકાંત આચરેકરની યાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કાંબળીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ખૂબ જ નબળો દેખાતો હતો. તેને પોતાના પગ પર ઊભા રહેવામાં મુશ્કેલી પડી રહી હતી.
સુનિલ ગાવસ્કર અને વિનોદ કાંબળી (તસવીર: મિડ-ડે)
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળી લાંબા સમયથી બીમારી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ડિસેમ્બર 2024 માં ક્રિકેટરની તબિયત લથડતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે તેમની પરિસ્થિતી વિશે જાણ કરી હતી. કાંબળીની નબળી આર્થિક પરિસ્થિતીને જોઈને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને મહાન બૅટ્સમૅન સુનીલ ગાવસ્કરે તેમની સામે મદદનો હાથ લંબાવ્યો છે.
૫૩ વર્ષીય કાંબળીને ગાવસ્કરના CHAMPS ફાઉન્ડેશન તરફથી નાણાકીય સહાય મળશે એવી ચર્ચા સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે. આ ફાઉન્ડેશનની શરૂઆત ૧૯૯૯માં જરૂરિયાતમંદ ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને મદદ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. કાંબળીએ ભારત માટે ૧૦૪ વનડે અને ૧૭ ટૅસ્ટ રમી છે. અહેવાલ મુજબ, ચૅમ્પ્સ ફાઉન્ડેશન કાંબળીને દર મહિને 30 હજાર રૂપિયા આપશે. તેને આ રકમ તેના જીવનભર દર મહિને મળતી રહેશે. પૈસા આપવાની પ્રક્રિયા ૧ એપ્રિલથી અમલમાં આવી છે. આ ઉપરાંત, કાંબળીને ૩૦,૦૦૦ રૂપિયાનો વાર્ષિક તબીબી ખર્ચ અલગથી આપવામાં આવશે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે કાંબળીને ડિસેમ્બરમાં પેશાબના ચેપને કારણે આકૃતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાનખેડે સ્ટેડિયમની ૫૦મી વર્ષગાંઠ દરમિયાન ગાવસ્કર કાંબળીને મળ્યા હતા. ત્યારબાદ ગાવસ્કર તેમના બે ડૉક્ટરોને પણ મળ્યા હતા. કાંબળી લાંબા સમયથી દારૂના વ્યસન સામે લડી રહ્યા છે. હૉસ્પિટલમાં દાખલ થયા બાદ, તેમના મગજમાં ગંઠાવાનું નિદાન થયું. થોડા મહિના પહેલા, કાંબળીએ મીડિયા સાથે વાત કરતા લોકોને દારૂ અને ડ્રગ્સથી દૂર રહેવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે ખરાબ ટેવો કોઈપણનું જીવન બરબાદ કરી શકે છે.
મુંબઈમાં કોચ રમાકાંત આચરેકરની યાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કાંબળીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ખૂબ જ નબળો દેખાતો હતો. તેને પોતાના પગ પર ઊભા રહેવામાં મુશ્કેલી પડી રહી હતી. આ કાર્યક્રમ દરમિયાન પોતાના બાળપણના મિત્ર સચિન તેન્ડુલકરનો હાથ પકડીને તે ભાવુક થઈ ગયેલો જોવા મળ્યો હતો.
મુંબઈના ભૂતપૂર્વ સ્ટાઇલિશ ક્રિકેટર વિનોદ કાંબળીની બીજી પત્ની અને ભૂતપૂર્વ મૉડલ ઍન્ડ્રિયા હ્યુઇટ પણ પહેલી પત્ની નોએલા લુઇસની જેમ ડિવૉર્સ લેવાની હતી એવા સમાચારની ચર્ચા જોરમાં હતા. ત્યારે ઍન્ડ્રિયા હ્યુઇટે એક ઇન્ટરવ્યુમાં પહેલી વખત કબૂલ્યું હતું કે તે વિનોદથી ખરેખર ડિવૉર્સ લેવાની હતી. ૨૦૦૬માં વિનોદ કાંબળી સાથે કોર્ટ-મૅરેજ કરનારી ઍન્ડ્રિયા હ્યુઇટે કહ્યું હતું કે ‘દારૂની લત છોડાવવા માટે વિનોદને અત્યાર સુધીમાં ૧૪ વખત રીહૅબ સેન્ટરમાં મૂકવામાં આવ્યો છે. ડ્રિન્ક કરવાની વિનોદની આદતથી કંટાળીને મેં અનેક વખત ડિવૉર્સ લેવાનો વિચાર કર્યો હતો, પણ તેની હાલત જોઈને આગળ નહોતી વધી શકી. મેં વિચાર્યું કે જો હું વિનોદને છોડી દઈશ તો તે એકલો થઈ જશે. તે નાના બાળક જેવો છે, એથી મને વધુ ચિંતા રહે છે. ઘણી વાર હું વિનોદને છોડીને જતી રહેતી ત્યારે મને બહુ ટેન્શન રહેતું. તેણે કંઈ ખાધું હશે કે નહીં? ઠીકથી સૂતો હશે કે કેમ? આવા વિચાર આવવાથી ઘરે આવીને તેની દેખભાળ કરતી હતી. વિનોદની આવી હાલતમાં બાળકોને ઉછેરવાનું મુશ્કેલ હતું. જોકે પુત્ર ક્રિસ્ટિયાનો મારો સહારો બન્યો. ઘણી વાર મારે પોતાની જાતને સમજાવવું પડતું હતું કે હું બાળકોની માતાની સાથે પિતા પણ છું. પુત્ર ખૂબ સમજદાર છે, તેણે મને ક્યારેય હેરાન નથી કરી.’

