સુનીલ ગાવસકરની ભારતીય ક્રિકેટ બોર્ડને સલાહ
સરફરાઝ ખાન અને રિષભ પંત, સુનીલ ગાવસકર
ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન સુનીલ ગાવસકર હાલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટમાં સરફરાઝ ખાન અને રિષભ પંતની બૅટિંગથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે પોતાના વિચારો રજૂ કરતાં એક કૉલમમાં લખ્યું હતું કે ‘સિલેક્ટર્સ માને છે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમવા માટે પાતળી કમર જરૂરી છે, પરંતુ મેદાન પર સરફરાઝનું પ્રદર્શન તેની કમરની લંબાઈ કરતાં પણ વધુ પ્રભાવશાળી હતું. ભારતીય ક્રિકેટમાં ઘણાબધા નિર્ણય લેનારા લોકો હોવાથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રન બનાવવા છતાં તેને ટીમમાં સ્થાન ન મળ્યું. રિષભ પંતની પણ પાતળી કમર નથી છતાં તે શાનદાર પ્રદર્શન કરે જ છે.’
ભારતીય ક્રિકેટ બોર્ડને સલાહ આપતાં સુનીલ ગાવસકરે લખ્યું હતું કે ‘કૃપા કરીને તમારી યો-યો ટેસ્ટ છોડી દો અને જુઓ કે પ્લેયર માનસિક રીતે કેટલો મજબૂત છે, એ પ્લેયરની ફિટનેસનું સાચું સૂચક હશે. જો કોઈ બૅટ્સમૅન આખો દિવસ બૅટિંગ કરી શકે છે અને દિવસમાં ૨૦ ઓવર ફેંકી શકે છે તો તે ફિટ છે. એના કરતાં તે કેટલો પાતળો છે અને તેની કમર પાતળી છે કે નહીં એ ન જોવું જોઈએ.`