શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલ જેવા યુવા પ્લેયર્સ માટે, તેમની બાજુમાં બેસીને તેઓ કેવી રીતે તૈયારી કરે છે એ જોવું એ શીખવાની એક શ્રેષ્ઠ રીત છે.
સુનીલ ગાવસકર
ક્રિકેટજગતમાં કરોડો યંગ પ્લેયર્સ માટે રોલ મૉડલ બનેલા વિરાટ કોહલી માટે ભારતના લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે મોટું નિવેદન આપ્યું છે. ભારતના આ ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, ‘મને લાગે છે કે તેનામાં ગઈ કાલ કરતાં વધુ સારા બનવાની ઇચ્છા છે. તે જે પ્રાપ્ત કરે છે એનાથી તે ક્યારેય સંતુષ્ટ નથી થતો અને હંમેશાં વધુ કરવા માગે છે. ભારત માટે રમતી વખતે તે જે ગર્વ બતાવે છે, તેના માટે એ એક સન્માન છે. લાખો લોકો ભારત માટે રમવાનું સ્વપ્ન જુએ છે પછી ભલે એ ટેસ્ટ-મૅચ હોય, ૫૦-૫૦ ઓવરની રમત હોય કે T20 રમત હોય, દરેક નાના બાળકનું સ્વપ્ન અને મહત્ત્વાકાંક્ષા હોય છે કે તે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે. કોહલી માટે તેની મહત્ત્વાકાંક્ષા જીવંત રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’
૭૫ વર્ષના ગાવસકર આગળ કહે છે, ‘વાત ફક્ત તેના રન વિશે નથી. મેદાન પર તેની પ્રતિબદ્ધતા જુઓ, તે કેવી રીતે ડાઇવ કરે છે, બૉલ વિકેટકીપર અથવા બોલરને પાછો આપે છે અને તેની ટીમ માટે રન બચાવવાનો પ્રયાસ કરે છે. ભારત પ્રત્યેની તેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એટલા માટે જ એક શીખનારથી લગભગ ક્રિકેટના પ્રોફેસર બનવાનો તેનો વિકાસ નોંધપાત્ર છે. તે વિદ્યાર્થીમાંથી પ્રોફેસર બન્યો છે અને જો હું ઉમેરી શકું તો, ભારતીય ક્રિકેટ યુનિવર્સિટીનો ચાન્સેલર પણ બન્યો છે. શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલ જેવા યુવા પ્લેયર્સ માટે, તેમની બાજુમાં બેસીને તેઓ કેવી રીતે તૈયારી કરે છે એ જોવું એ શીખવાની એક શ્રેષ્ઠ રીત છે.’

