છેલ્લે માર્ચ ૨૦૨૩માં ભારત સામે સંભાળી હતી ટીમની કમાન
સ્ટીવ સ્મિથ
૨૯ જાન્યુઆરીથી છઠ્ઠી ફેબ્રુઆરી વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝ અને ૧૩ ફેબ્રુઆરીએ એક વન-ડે મૅચ રમવા માટે ઑસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા-ટૂર પર જવાની છે. આ ટૂર માટે ઑસ્ટ્રેલિયન સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે. બીજા બાળકના જન્મની સંભાવનાને કારણે કૅપ્ટન પૅટ કમિન્સને આરામ આપવામાં આવ્યો છે અને અનુભવી બૅટર સ્ટીવ સ્મિથને કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. છેલ્લે તેણે માર્ચ ૨૦૨૩માં ભારત સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન કાંગારૂ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ૨૦૧૮ના સૅન્ડપેપર કાંડ બાદ તે પહેલી વાર આખી ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ટીમની કમાન સંભાળશે.
આ સ્ક્વૉડમાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીની અધવચ્ચેથી બહાર કરી દેવામાં આવનાર ઓપનર નૅથન મૅકસ્વીનીને પણ સ્થાન મળ્યું છે. ડેબ્યુ મૅચથી ચર્ચામાં રહેલા સૅમ કૉન્સ્ટસ, ઇન્જર્ડ થયેલા વિકેટકીપર-બૅટર જોશ ઇંગ્લિસને પણ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને ઑલરાઉન્ડર મિચલ માર્શને ફિટનેસ અને પ્રદર્શનને આધારે ટીમમાં સ્થાન મળ્યું નથી. ઑલરાઉન્ડર કૂપર કૉનોલી, સ્પિનર ટૉડ મર્ફી અને ફાસ્ટ બોલર મૅટ કહનેમૅન જેવા યંગ પ્લેયર્સને ટીમમાં એન્ટ્રી મળી છે.