ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝની તૈયારી માટે ટીમમાંથી બહાર થયા રોહિત, યશસ્વી અને પંત
રોહિત શર્મા, યશસ્વી જેસવાલ અને રિષભ પંત
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સની સલાહ અને ભારતીય ક્રિકેટ બોર્ડની ગાઇડલાઇન્સને કારણે ઘણા સ્ટાર ક્રિકેટર્સે રણજી ટ્રોફીમાં કમબૅક કર્યું હતું, પણ એક મૅચ રમ્યા બાદ મોટા ભાગના ક્રિકેટર્સે ડોમેસ્ટિક ટીમમાંથી રજા લીધી છે. મોટા ભાગના પ્લેયર્સે નાગપુરમાં ઇંગ્લૅન્ડ સામે છઠ્ઠી ફેબ્રુઆરીથી શરૂ થનારી વન-ડે સિરીઝની તૈયારી કે સિરીઝ પહેલાં આરામ લેવાનું કારણ આપ્યું છે.
ક્વૉર્ટર ફાઇનલ પહેલાંની અંતિમ લીગ મૅચ માટે મુંબઈની ટીમમાંથી રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ અને શ્રેયસ ઐયર બહાર થયા છે. જમ્મુ-કાશ્મીર સામેની મૅચ રમનાર મુંબઈનો ઑલરાઉન્ડર શિવમ દુબે T20 સિરીઝનો ભાગ હોવાથી મેઘાલય સામેની આવતી કાલથી શરૂ થતી રણજી મૅચમાં રમી શકશે નહીં. દિલ્હીનો વિકેટકીપર-બૅટર રિષભ પંત રેલવેઝ સામેની મૅચ પહેલાં ટીમમાંથી બહાર થયો છે, જ્યારે પંજાબનો કૅપ્ટન શુભમન ગિલ કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં બંગાળ સામેની મૅચમાં રમશે કે નહીં એ હજી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
કે. એલ. રાહુલ, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ પણ રણજી મૅચ રમવા માટે તૈયાર
આવતી કાલથી દિલ્હીના વિરાટ કોહલી સહિત કેટલાક સ્ટાર પ્લેયર્સની હાજરી રણજી ટ્રોફીમાં જોવા મળશે. ઇન્જરીને કારણે કર્ણાટકનો સ્ટાર બૅટર કે. એલ. રાહુલ પંજાબ સામેની છેલ્લી રણજી મૅચ રમી શક્યો નહોતો. તે હવે આવતી કાલે બૅન્ગલોરમાં હરિયાણા સામેની રણજી મૅચ રમશે. રાહુલ ઑલમોસ્ટ પાંચ વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી કરી રહ્યો છે. છેલ્લે ૨૦૨૦માં કલકત્તામાં બંગાળ સામે રણજી મૅચ રમ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ હૈદરાબાદ માટે વિદર્ભ સામેની રણજી મૅચમાં રમશે, જ્યારે હાલમાં જ દિલ્હી સામેની મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બનેલા ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ રાજકોટમાં આસામ સામેની રણજી મૅચમાં સૌરાષ્ટ્ર માટે રમવાની તૈયારી બતાવી છે. ૨૩ વર્ષનો બૅટર રિયાન પરાગ ઇન્જરીમાંથી ફિટ થઈને સૌરાષ્ટ્ર સામેની મૅચમાં આસામ માટે કૅપ્ટન્સી કરે એવા અહેવાલ પણ સામે આવ્યા છે.

