ન્યુ ઝીલૅન્ડનો શ્રીલંકા સામે લોએસ્ટ ટેસ્ટ-સ્કોર રહ્યો, શ્રીલંકન ટીમે પોતાની પહેલી ઇનિંગ્સની બીજી સૌથી મોટી લીડ મેળવી
શ્રીલંકન સ્પિનર પ્રબથ જયસૂર્યાએ પહેલી ઇનિંગ્સ દરમ્યાન ૧૮ ઓવરમાં ૪૨ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી.
ગૉલ સ્ટેડિયમમાં શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ખરાબ પ્રકાશને કારણે ૨૦ ઓવર પહેલાં ત્રીજા દિવસની રમત સમાપ્ત કરવી પડી હતી. ૬૧૨ રને પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરનાર શ્રીલંકન ટીમ સામે ગઈ કાલે ૨૨/૨ના સ્કોરથી શરૂઆત કરનાર કિવી બૅટર્સ પહેલી ઇનિંગ્સમાં ૮૮ રને ઑલઆઉટ થઈ ગયા હતા.
મહેમાન ટીમ પહેલી ઇનિંગ્સના આધારે ૫૧૪ રનથી પાછળ પડી ગઈ હતી અને એને ફૉલો-ઑન કરવાની ફરજ પડી હતી. ત્રીજા દિવસની રમતના અંતે ન્યુ ઝીલૅન્ડની ટીમે ૪૧ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૯ રન ફટકાર્યા છે. આ ટેસ્ટમાં યજમાન ટીમે પકડ મજબૂત કરી છે જેને કારણે ફૉલો-ઑન રમવા આવેલા ન્યુ ઝીલૅન્ડને ઇનિંગ્સની હાર ટાળવા માટે હજી ૩૧૫ રનની જરૂર છે.
ADVERTISEMENT
ત્રીજા દિવસે ન્યુ ઝીલૅન્ડની ટીમે કુલ ૧૩ વિકેટ ગુમાવી છે. ૮૮ રનનો સ્કોર ન્યુ ઝીલૅન્ડનો શ્રીલંકા સામે લોએસ્ટ ટેસ્ટ-ઇનિંગ્સ સ્કોર બન્યો છે. જ્યારે શ્રીલંકાએ પહેલી ઇનિંગ્સમાં જે ૫૧૪ રનની લીડ મેળવી એ આ ટીમના ટેસ્ટ-ઇતિહાસની બીજી મોટી લીડ બની છે. જો શ્રીલંકા જીતશે તો એ ન્યુ ઝીલૅન્ડને બે મૅચની સિરીઝમાં સ્વીપ કરશે અને ૧૫ વર્ષમાં આ ટીમ સામેની પ્રથમ ટેસ્ટ-સિરીઝ જીતશે. શ્રીલંકાએ છેલ્લે ૨૦૦૯માં આ ટીમ સામે ટેસ્ટ-સિરીઝ જીતી હતી.