ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને ૮ વિકેટે હરાવીને સૂપડાં સાફ કરતાં રોક્યા, ત્રણ મૅચની સિરીઝ ૨-૧થી જીત્યું ઇંગ્લૅન્ડ
મૅચ જીતી ગયા બાદ લોકોનું અભિવાદન ઝીલી રહેલા ઍન્જેલો મૅથ્યુઝ અને પથુમ નિસાન્કા.
ઓપનિંગ બૅટ્સમૅન પથુમ નિસાન્કાની અણનમ ૧૨૭ રનની આક્રમક ઇનિંગ્સના આધારે શ્રીલંકાએ ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામે ત્રીજી ટેસ્ટ ૮ વિકેટે જીતી લીધી હતી. ચોથા દિવસે શ્રીલંકાને જીતવા માટે ૧૨૫ રનની અને ઇંગ્લૅન્ડને વધુ ૯ વિકેટની જરૂર હતી. ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગ્સ ૩૪ ઓવરમાં ૧૫૬ રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રીલંકાએ ૨૧૯ રનનો ટાર્ગેટ બે વિકેટ ગુમાવીને ૪૦.૩ ઓવરમાં મેળવી લીધો હતો. નિસાન્કાએ ૧૨૪ બૉલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડના ૩૨૫ રનના જવાબમાં શ્રીલંકાએ ૨૬૩ રન બનાવ્યા હતા.
ઇંગ્લૅન્ડની ધરતી પર શ્રીલંકાએ ૩૭૩૦ દિવસ બાદ એટલે કે એક દાયકા બાદ જીત મેળવી છે. શ્રીલંકાએ આ પહેલાં ૧૯૯૮, ૨૦૦૬ અને ૨૦૧૪માં ઇંગ્લૅન્ડની ધરતી પર જીતનો સ્વાદ ચાખ્યો છે. છેલ્લે શ્રીલંકા ૨૦૧૪ની ૨૪ જૂને ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-મૅચ જીત્યું હતું. ત્રીજી ટેસ્ટમાં જીત મેળવીને શ્રીલંકાએ ઇંગ્લૅન્ડ સામે સતત પાંચ ટેસ્ટથી મળતી હાર અને ત્રણ મૅચની સિરીઝમાં ક્લીન સ્વીપને અટકાવી હતી.