પહેલી વન-ડેમાં ૪૯ રનથી હરાવ્યું: શ્રીલંકાના ૨૧૪ રનના જવાબમાં ઑસ્ટ્રેલિયા ૧૬૫ રનમાં આૅલઆઉટ: કાંગારૂઓને પેસત્રિપુટીની કમી ન વર્તાઈ, પણ બધા બૅટરો નિષ્ફળ ગયા
એક છેડેથી વિકેટ પડી રહી હોવા છતાં કૅપ્ટન ચરિત અસલંકાએ ૧૨૬ બૉલમાં ૧૨૭ રનની આક્રમક ઇનિંગ્સ રમીને શ્રીલંકાને ૨૧૪ રન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને લંકનોએ ૪૯ રનથી મૅચ જીતી લીધી હતી.
૧૯ ફેબ્રુઆરીથી શરૂ થતી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીની તૈયારી રૂપે રમાઈ રહેલી ઑસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચેની બે મૅચની વન-ડે સિરીઝની પહેલી ગેમમાં કાંગારૂઓએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ગઈ કાલે કોલંબોમાં રમાયેલી મૅચમાં જબરદસ્ત બોલિંગ-પ્રદર્શન પછી બૅટરોના ધબડકાને લીધે ઑસ્ટ્રેલિયાએ ૪૯ રનથી મૅચ ગુમાવી હતી. શ્રીલંકા પહેલાં બૅટિંગ કરીને ૪૬ ઓવરમાં ૨૧૪ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું, જ્યારે જવાબમાં ઑસ્ટ્રેલિયા ૩૩.૫ ઓવરમાં ૧૬૫ રનમાં ખખડી પડ્યું હતું.
પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડની પેસત્રિપુટી નથી રમી રહી એ છતાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયાને તેમની ગેરહાજરી નહોતી વર્તાઈ, કારણ કે આરોન હાર્ડી અને સ્પેન્સર જૉન્સને માત્ર ૩૧ રનમાં શ્રીલંકાની ૪ વિકેટ ખેરવી નાખી હતી. જોકે ત્યાર પછી કૅપ્ટન ચરિત અસલંકાએ ૧૨૬ બૉલમાં ૧૨૭ રનની આક્રમક ઇનિંગ્સ રમીને બાજી સંભાળી લીધી હતી.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયા બૅટિંગ કરવા આવ્યું ત્યારે એની પણ ૩૧ રનમાં ૪ વિકેટ પડી ગઈ હતી, પણ એના માટે ખાસ કોઈ તારણહાર નહોતું બન્યું. વિકેટકીપર ઍલેક્સ કૅરીએ ૩૮ બૉલમાં ૪૧ રન કરીને જોકે થોડી લડત આપી હતી.

