ધોની-કુંબલેની જેમ કાંગારૂઓ સામેની સિરીઝમાં અધવચ્ચેથી નિવૃત્તિ જાહેર કરી આ ઑફ-સ્પિનરે
કૅપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન અશ્વિને જાહેર કર્યું હતું રિટાયરમેન્ટ
ભારતના ૩૮ વર્ષના ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ગઈ કાલે ગૅબા ટેસ્ટ ડ્રૉ થયા બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. ઑલરાઉન્ડર અશ્વિને ૨૦૧૦ની પાંચમી જૂને શ્રીલંકા સામે વન-ડે અને એ જ વર્ષે ૧૨ જૂને ઝિમ્બાબ્વે સામે T20 ડેબ્યુ કર્યું હતું, જ્યારે ૨૦૧૧ની ૬ નવેમ્બરે તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ-કરીઅરની શરૂઆત કરી હતી. અશ્વિને નવેમ્બર ૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામે છેલ્લે T20, ઑક્ટોબર ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે છેલ્લે વન-ડે અને ડિસેમ્બર ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયા સામે જ ઍડીલેડમાં છેલ્લી ટેસ્ટ-મૅચ રમી છે.
બૉર્ડર-ગાવસકર ટ્રોફી વચ્ચે તે આજે ભારત પાછો ફરશે. ૨૦૧૧નો વર્લ્ડ કપ અને ૨૦૧૩ની ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો સભ્ય અશ્વિન ફ્રૅન્ચાઇઝી લીગ અને ક્લબ ક્રિકેટ રમતો રહેશે. ભારતીય કૅપ્ટન રોહિત શર્મા સાથેની સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે રોહિત સહિત વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા અને ભારતીય ક્રિકેટ બોર્ડનો વિશેષ આભાર માન્યો હતો. રોહિત શર્માએ ખુલાસો કર્યો હતો કે તેણે પર્થમાં અશ્વિન સાથે વાતચીત કરીને ઍડીલેડમાં પિન્ક બૉલ ટેસ્ટ રમવા માટે તેને મનાવ્યો હતો.
ADVERTISEMENT
નિવૃત્તિની જાહેરાત પહેલાં ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલીને પહેલી વાર આ સમાચાર આપી ભાવુક થયો હતો અશ્વિન
ભારતના ટૉપ વિકેટ-ટેકર બોલર્સમાં એક છે અશ્વિન
ભારત માટે સૌથી વધારે ઇન્ટરનૅશનલ વિકેટ લેવા મામલે અનિલ કુંબલે (૪૦૧ મૅચમાં ૯૫૩ વિકેટ) બાદ અશ્વિન બીજા ક્રમે છે. તેણે ૨૮૭ મૅચમાં ૭૬૫ વિકેટ ઝડપી છે. સૌથી વધારે વિકેટ લેનાર બોલર્સના ઓવરઑલ લિસ્ટમાં તે અગિયારમા ક્રમે છે. ટેસ્ટમાં પણ તેણે અનિલ કુંબલે (૧૩૨ મૅચમાં ૬૧૯ વિકેટ) બાદ ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે. ઓવરઑલ લિસ્ટમાં તે સાતમા ક્રમે છે, જ્યારે વન-ડે લિસ્ટમાં ભારતીય બોલર્સમાં તેરમું અને દુનિયાભરના બોલર્સમાં ૮૦મું સ્થાન ધરાવે છે. T20 ઇન્ટરનૅશનલમાં તે અનુક્રમે છઠ્ઠું અને ૫૮મું સ્થાન ધરાવે છે. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર જોડી છે. તેમણે ૫૮ ટેસ્ટમાં સાથે મળીને ૫૮૭ વિકેટ ઝડપી છે.
ડ્રેસિંગરૂમમાં અશ્વિનની ફેરવેલ દરમ્યાન ઇમોશનલ જોવા મળ્યા ભારતીય પ્લેયર્સ
મહેન્દ્ર સિંહ ધોની અને અનિલ કુંબલેની ક્લબમાં જોડાયો અશ્વિન
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૦૧૪માં ઑસ્ટ્રેલિયા-ટૂર દરમ્યાન અધવચ્ચે જ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જ્યારે સ્પિનર અનિલ કુંબલેએ ૨૦૦૮માં ઑસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની સિરીઝ દરમ્યાન ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ રીતે અશ્વિન અને ધોનીએ ઑસ્ટ્રેલિયામાં તેમની છેલ્લી ટેસ્ટ રમી હતી જ્યારે કુંબલેએ આંગળીમાં ઈજાના કારણે ૨૦૦૮માં નવી દિલ્હીમાં રમાયેલી મૅચ બાદ નિવૃત્તિ જાહેર કરી હતી.
ઑસ્ટ્રેલિયન ટીમે સાઇન કરેલી જર્સી અશ્વિનને ગિફ્ટ કરી સ્પિનર નૅથન લાયન અને કૅપ્ટન પૅટ કમિન્સે
રવિચન્દ્રન અશ્વિનનો ઇન્ટરનૅશનલ રેકૉર્ડ |
|
૧૦૬ ટેસ્ટ |
૩૫૦૩ રન, ૫૩૭ વિકેટ |
૧૧૬ વન-ડે |
૭૦૭ રન, ૧૫૬ વિકેટ |
૬૫ T20 |
૧૮૪ રન, ૭૨ વિકેટ |
મારી અંદરનો ઇન્ટરનૅશનલ ક્રિકેટર ખતમ થયો છે, પણ મારી અંદર રહેલું ક્રિકેટ ક્યારેય સમાપ્ત નહીં થાય
- ડ્રેસિંગ રૂમમાં ફેરવેલ સ્પીચ દરમ્યાન અશ્વિન