ફૉલો-આૅન પછી બીજી ઇનિંગ્સમાં પાકિસ્તાને ૪૭૮ રન ફટકારીને ૫૮ રનનો ટાર્ગેટ આપ્યો, સાઉથ આફ્રિકાએ વિકેટ ગુમાવ્યા વગર રન-ચેઝ કરી ૧૦ વિકેટે બીજી ટેસ્ટ-મૅચ જીતી લીધી
બંગલાદેશ, શ્રીલંકા બાદ પાકિસ્તાન સામે ટેસ્ટ-સિરીઝ ૨-૦થી જીતી ક્લીન સ્વીપ કરવાની હૅટ-ટ્રિક પણ કરી સાઉથ આફ્રિકાએ.
પાકિસ્તાનને બીજી ટેસ્ટ મૅચમાં ૧૦ વિકેટે હરાવીને સાઉથ આફ્રિકાએ ૨-૦થી બે મૅચની ટેસ્ટ-સિરીઝ જીતી લીધી છે. પહેલી ટેસ્ટ-મૅચ બે વિકેટે જીતીને સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી. બીજી ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં ૬૧૫ રન બનાવનાર સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાનની ટીમ ૧૯૪ રનમાં ઑલઆઉટ થતાં ફૉલો-ઑન મળ્યું હતું. ગઈ કાલે ચોથા દિવસે પાકિસ્તાને બીજી ઇનિંગ્સમાં ૪૭૮ રન ફટકારી ૫૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ ૭.૧ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ચેઝ કરી બતાવ્યો હતો.
ચોથા દિવસે ૨૧૩/૧ના સ્કોરથી પાકિસ્તાને રમતની શરૂઆત કરી હતી. કૅપ્ટન શાન મસૂદ (૨૫૧ બૉલમાં ૧૪૫ રન)ની શાનદાર સેન્ચુરી, મોહમ્મદ રિઝવાન (૪૧ રન) અને સલમાન અલી આગા (૪૮ રન)ની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સની મદદથી પાકિસ્તાને ફૉલો-ઑન બાદ લીડ મેળવીને ૫૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ અને ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ સૌથી વધુ ૩-૩ વિકેટ લઈને પાકિસ્તાનને મોટો ટાર્ગેટ સેટ કરવા જ નહોતો દીધો.
ADVERTISEMENT
બવુમા ધ બેસ્ટ
આૅગસ્ટ ૨૦૨૪થી સાઉથ આફ્રિકાની ટીમ સળંગ ૭ ટેસ્ટ-મૅચ જીતી છે. ટેમ્બા બવુમાએ કૅપ્ટન તરીકે પોતાનો અજેય રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. તેની કૅપ્ટન્સીમાં સાઉથ આફ્રિકા ૯માંથી ૮ ટેસ્ટ-મૅચ જીત્યું છે અને એક મૅચ ડ્રૉ રહી છે.
પ્લેયર આૅફ ધ સિરીઝ
ફાસ્ટ બોલર માર્કો યાન્સેન ૮૦ રન આપવા સાથે ૧૦ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો છે.
પ્લેયર આૅફ ધ મૅચ
ઓપનર રાયન રિકલ્ટન ૨૫૯ રન ફટકારીને બીજી ટેસ્ટ-મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે.