બીજા દિવસે ૪૯.૪ ઓવર સુધીમાં ૧૯૧ રન બનાવી યજમાન ટીમ ઑલઆઉટ થઈ હતી પણ શ્રીલંકન ટીમ ૧૩.૫ ઓવરમાં ૪૨ રને ઑલઆઉટ થતાં સાઉથ આફ્રિકન ટીમને જોરદાર વાપસીની તક મળી છે
માર્કો યાન્સેને ૭ વિકેટ લીધી હતી
સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે શરૂ થયેલી પહેલી ટેસ્ટના બીજા દિવસે યજમાન ટીમે ૨૮૧ રનની લીડ મેળવી લીધી છે. પહેલા દિવસે વરસાદના વિઘ્ન પહેલાં સાઉથ આફ્રિકન ટીમે ૨૦.૪ ઓવરમાં ૮૦ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસે ૪૯.૪ ઓવર સુધીમાં ૧૯૧ રન બનાવી યજમાન ટીમ ઑલઆઉટ થઈ હતી પણ શ્રીલંકન ટીમ ૧૩.૫ ઓવરમાં ૪૨ રને ઑલઆઉટ થતાં સાઉથ આફ્રિકન ટીમને જોરદાર વાપસીની તક મળી છે. ગઈ કાલની રમતના અંત સુધીમાં સાઉથ આફ્રિકાએ ૪૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૩૨ રન ફટકાર્યા છે.
૪૨ રનમાં ઑલઆઉટ થઈ શ્રીલંકાએ પોતાનો ૩૦ વર્ષ જૂનો લોએસ્ટ ટેસ્ટ ઇનિંગ્સ સ્કોરનો રેકૉર્ડ તોડ્યો છે. ઑગસ્ટ ૧૯૯૪માં શ્રીલંકા પાકિસ્તાન સામે ૭૧ રનમાં ઑલઆઉટ થયું હતું. ડરબનમાં અને સાઉથ આફ્રિકા સામે કોઈ પણ ટીમનો આ લોએસ્ટ ટેસ્ટ-સ્કોર છે. પહેલી ઇનિંગ્સમાં શ્રીલંકાના ૯ બૅટર સિંગલ ડિજિટ અને બે બૅટર ડબલ ડિજિટમાં રન બનાવી શક્યા હતા. પાંચ બૅટર એક પણ રન બનાવી શક્યા નહોતા.
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને માત્ર ૮૩ બૉલમાં ઑલઆઉટ કરી દીધું હતું. સૌથી ઓછા બૉલમાં હરીફ ટીમને એક ટેસ્ટ ઇનિંગ્સમાં ઑલઆઉટ કરવાના રેકૉર્ડના લિસ્ટમાં સાઉથ આફ્રિકા હવે બીજા ક્રમે છે. લિસ્ટમાં પહેલા ક્રમે ઇંગ્લૅન્ડ છે જેણે ૧૯૨૪માં સાઉથ આફ્રિકાને એક ઇનિંગ્સમાં ૭૫ બૉલની અંદર સમેટી દીધું હતું.
ADVERTISEMENT
મેગા આૅક્શનમાં ૭ કરોડમાં વેચાયેલા બોલરે ૪૧ બૉલમાં ૭ વિકેટ લીધી
૨૪ વર્ષના સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર માર્કો યાન્સેને ૧૨૦ વર્ષ જૂના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી છે. IPL મેગા ઑક્શનમાં પંજાબ કિંગ્સ માટે ૭ કરોડ રૂપિયામાં વેચાનાર આ બોલરે ૬.૫ ઓવરમાં ૧૩ રન આપી ૭ વિકેટ ઝડપી છે. એક ટેસ્ટ-ઇનિંગ્સમાં ૭ ઓવરની અંદર ૭ વિકેટ લેનાર તે માત્ર બીજો બોલર બન્યો છે. તેણે ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર હ્યુ ટ્રમ્બલના રેકૉર્ડની બરાબરી કરી છે. ૧૯૦૪માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં તેણે ૬.૫ ઓવરમાં ૨૮ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી. ૧૩ રન આપી ૭ વિકેટ લઈને યાન્સેને પોતાની કરીઅરનું બેસ્ટ પ્રદર્શન કર્યું અને પહેલી ઇનિંગ્સના આધારે ટીમને ૧૪૯ રનની લીડ અપાવી છે.