૫૧૬ રનના ટાર્ગેટ સામે ૧૦૩ રનમાં ગુમાવી દીધી પાંચ વિકેટ: બવુમા અને સ્ટબ્સની સેન્ચુરી
ટેમ્બા બવુમા, ટ્રિસ્ટન સ્ટબ્સ
સાઉથ આફ્રિકા-શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે યજમાન સાઉથ આફ્રિકાએ મૅચ પર પકડ મજબૂત કરી લીધી છે અને મોટા ભાગે આજે લંચ સુધીમાં મસમોટી જીત સાથે એ બે ટેસ્ટની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લેશે.
ગઈ કાલે ત્રણ વિકેટે ૧૦૪ રનથી આગળ રમતાં સાઉથ આફ્રિકાએ કૅપ્ટન ટેમ્બા બવુમા (૧૧૩ રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (૧૨૨ રન)ની સેન્ચુરીના જોરે બીજી ઇનિંગ્સ પાંચ વિકેટે ૩૬૬ રને ડિક્લેર કરીને લંકન ટીમને જીતવા માટે ૫૧૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં નાલેશીભર્યા ૪૨ રનમાં ઑલઆઉટ થનારા લંકનો બીજી ઇનિંગ્સમાં પણ ખાસ કોઈ પ્રતિકાર નહોતા કરી શક્યા અને દિવસના અંત સુધી ૧૦૩ રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠા હતા. ટાર્ગેટથી તેઓ હજી ૪૧૩ રન દૂર છે અને તેમની પાસે ફક્ત પાંચ જ વિકેટ બચી છે. પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૩ રનમાં ૭ વિકેટ સાથે તરખાટ મચાવનાર માર્કો યાન્સેને બીજી ઇનિંગ્સમાં ૨૨ રનમાં બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
આજે જીત સાથે આફ્રિકન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં પાંચમાંથી ત્રીજા ક્રમાંકે જમ્પ મારીને ભારત-ઑસ્ટ્રેલિયાનું ટેન્શન વધારી શકે છે.