પહેલા દિવસે બન્ને ટીમોનો ધબડકો : યજમાન બંગલાદેશ ૧૦૬ રનમાં આૅલઆઉટ, સાઉથ આફ્રિકા ૬ વિકેટે ૧૪૦
તૈજુલ ઇસ્લામે સાઉથ આફ્રિકાની પાંચ વિકેટ લીધી હતી.
ગઈ કાલે ઢાકામાં યજમાન બંગલાદેશ અને મહેમાન સાઉથ આફ્રિકન ટીમ વચ્ચે બે મૅચની સિરીઝની પહેલી ટેસ્ટની રોમાંચક શરૂઆત થઈ હતી. બંગલાદેશની ટીમ ૪૦.૧ ઓવરમાં ૧૦૬ રનનો સ્કોર બનાવીને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં ૪૧ ઓવરમાં ૬ વિકેટે ૧૪૦ રન બનાવનારી સાઉથ આફ્રિકન ટીમના બૅટર્સ પણ પિચ પર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પહેલા દિવસના અંતે મહેમાન ટીમ ૩૪ રનની લીડ મેળવી શકી છે.
૨૯ વર્ષના કૅગિસો રબાડાએ પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશ સામે ૧૧ ઓવરમાં ૨૬ રન આપી ૩ વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો હતો. તે ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦૦ વિકેટ લેનાર ફાસ્ટેસ્ટ બોલર બની ગયો છે. તેણે આ માઇલસ્ટોન માટે ૧૧,૮૧૭ બૉલ જ ફેંકવા પડ્યા હતા. આ રેકૉર્ડ પહેલાં પાકિસ્તાનના બોલર વકાર યુનુસ (૧૨,૬૦૨ બૉલ)ના નામે હતો. રબાડા હાઇએસ્ટ સ્ટ્રાઇક-રેટ સાથે ૩૦૦ ટેસ્ટ વિકેટ લેનાર બોલર પણ બન્યો છે. તેણે ૩૯.૩૯ના સ્ટ્રાઇક-રેટથી ૩૦૦ વિકેટ લઈને દિગ્ગજ બોલર ડેલ સ્ટેન (૪૨.૩ સ્ટ્રાઇક-રેટ)ને પછાડ્યો છે. કોઈ બોલર કેટલી ઝડપથી વિકેટ ઝડપે છે એના આધારે બોલિંગ સ્ટ્રાઇક-રેટ નક્કી થાય છે. એની ગણતરી પ્રતિ વિકેટ કેટલા બૉલ ફેંકાયા એના આધારે કરવામાં આવે છે. બોલિંગ સ્ટ્રાઇક-રેટ જેટલો ઓછો તેટલું જ શાનદાર બોલરનું પ્રદર્શન હોય છે.
ADVERTISEMENT
કૅગિસો રબાડા
૩૦૦ ટેસ્ટ-વિકેટ માટે સૌથી ઓછા બૉલ
કૅગિસો રબાડા ૧૧,૮૧૭ બૉલ
વકાર યુનુસ ૧૨,૬૦૨ બૉલ
ડેલ સ્ટેન ૧૨,૬૦૫ બૉલ
ઍલન ડોનલ્ડ ૧૩,૬૭૨ બૉલ
માલ્કમ માર્શલ ૧૩,૭૨૮ બૉલ