સાઉથ આફ્રિકાની સ્પર્ધામાં આજે એમઆઇ કેપ ટાઉન અને પાર્લ રૉયલ્સ વચ્ચે મુકાબલો : રાતે ૯.૦૦ વાગ્યાથી પ્રસારણ
કેપ ટાઉનની પ્રેસ કૉન્ફરન્સમાં બે કૅપ્ટન ડેવિડ મિલર અને રાશિદ ખાન.
આગામી એપ્રિલ-મેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પહેલાં આ મહિને બે નવી ટી૨૦ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે. આજે સાઉથ આફ્રિકાની ‘એસએ૨૦’ સ્પર્ધા શરૂ થઈ રહી છે અને શુક્રવારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ની ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦ (આઇએલટી૨૦)નો આરંભ થશે.
આજે ૬ ટીમ વચ્ચેની એસએ૨૦માં પહેલી મૅચ મુંબઈ ઇન્ડિયન્સની માલિકીની એમઆઇ કેપ ટાઉન અને રાજસ્થાન રૉયલ્સના ફ્રૅન્ચાઇઝીની માલિકીની પાર્લ રૉયલ્સ વચ્ચે મુકાબલો છે જે ભારતીય સમય મુજબ રાતે ૯ વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
રાશિદ ખાન એમઆઇ કેપ ટાઉનનો કૅપ્ટન છે અને તેની ટીમમાં મુખ્યત્વે જોફ્રા આર્ચર, ડેવાલ્ડ બ્રેવિસ, સૅમ કરૅન, કૅગિસો રબાડા, બ્યુરૅન હેન્ડ્રિક્સ, ડુઆન યેન્સેન, જ્યૉર્જ લિન્ડ, ઓડિયન સ્મિથ અને રૅસી વૅન ડર ડુસેનનો સમાવેશ છે. સાયમન કૅટિચ આ ટીમનો હેડ-કોચ છે.
પાર્લ રૉયલ્સમાં ડેવિડ મિલર કૅપ્ટન છે અને તેની ટીમમાં ખાસ કરીને જૉસ બટલર, ઑબેડ મૅકોય, લુન્ગી ઍન્ગિડી, તબ્રેઝ શમસી, ઍન્ડીલ ફેહલુકવાયો, જેસન રૉય અને ઇયોન મૉર્ગન છે. જે. પી. ડુમિની આ ટીમનો હેડ-કોચ છે.
આઇએલટી૨૦માં પણ કુલ ૬ ટીમ ભાગ લેશે અને ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યાથી એની પ્રથમ મૅચ ૧૩ જાન્યુઆરીએ દુબઈ કૅપિટલ્સ અને અબુ ધાબી નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે.