આજે બન્ને ટીમ વચ્ચે રમાશે સિરીઝની બીજી અને અંતિમ T20 મૅચ
રયાન રિકેલ્ટન
આયરલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મૅચની T20 ઇન્ટરનૅશનલ સિરીઝની પહેલી મૅચ ૨૭ સપ્ટેમ્બરે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી જ્યાં સાઉથ આફ્રિકાએ આયરલૅન્ડને ૮ વિકેટથી હરાવીને સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી છે.
પહેલી મૅચમાં સાઉથ આફ્રિકાના સુકાની એઇડન માર્કરમે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બૅટિંગ કરતાં આયરલૅન્ડે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા. ૧૭૨ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત શાનદાર રહી હતી. રયાન રિકેલ્ટન (૭૬ રન) અને રીઝા હેન્ડ્રિક્સે (૫૧ રન) પ્રથમ વિકેટ માટે ૧૩૬ રનની ભાગીદારી કરી હતી. પ્લેયર ઑફ ધ મૅચ બનેલા ૨૮ વર્ષના રયાન રિકેલ્ટને એપ્રિલ ૨૦૨૨માં ઇન્ટરનૅશનલમાં ડેબ્યુ કર્યું હતું અને આ તેની ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી ફિફ્ટી હતી.
ADVERTISEMENT
સાઉથ આફ્રિકાએ ૧૭.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં આ સૌથી મોટો સફળતાપૂર્વક હાંસલ કરાયેલો T20 મૅચનો ટાર્ગેટ હતો. બીજી અને છેલ્લી મૅચ આ જ મેદાન પર આજે ભારતીય સમય અનુસાર રાતે ૯ વાગ્યાથી રમાશે.