બિશનસિંહ બેદીમાં ગજબની રમૂજવૃિત્ત તો હતી જ, તેઓ કડક સ્વભાવવાળા શિક્ષક જેવા પણ હતા
દિલ્હીમાં ગઈ કાલે બિશનસિંહ બેદીની અંતિમક્રિયા વખતે તેમના પત્ની અંજુ બેદી, પુત્ર અંગદ બેદી તથા ઍક્ટ્રેસ-પુત્રવધુ નેહા ધુપિયા, પીઢ અભિનેત્રી તથા સદ્ગત મન્સૂર અલી ખાન પટૌડીનાં પત્ની શર્મિલા ટાગોર તેમ જ કપિલ દેવ. પી.ટી.આઇ.
૧૯૮૩ના વર્લ્ડ કપમાં લૉર્ડ્સ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ઐતિહાસિક ફાઇનલમાં અણનમ ૧૧ રન બનાવ્યા બાદ ગોર્ડન ગ્રિનિજ (૧ રન)ને ક્લીન બોલ્ડ કરવા ઉપરાંત ફાઉદ બૅકસ (૮ રન)ને સૈયદ કિરમાણીના હાથમાં કૅચઆઉટ કરાવનાર મિડિયમ પેસ બોલર બલવિન્દરસિંહ સંધુએ બિશનસિંહ બેદીને અંજલિ આપવા અંગ્રેજી ‘મિડ-ડે’માં ‘આમંત્રિત’ તરીકેની જે કૉલમ લખી એ અહીં તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છેઃ
એકવાર એક અંગ્રેજી લેખકે બિશનસિંહ બેદીને ‘પોએટ્રી ઇન મૉશન’ તરીકે ઓળખાવ્યા હતા. લયબદ્ધ કાવ્ય સાથે સરખાવવા પાછળનો તેમનો હેતુ બિશન પાજીની લાક્ષણિકતાઓ પર પ્રકાશ પાડવાનો હતો. તેમની દર્શનીય, રિધમયુક્ત, ખામીરહિત અને સહજ બોલિંગ ઍક્શન સહિતની લાક્ષણિકતાઓને લેખકે પોતાના લખાણમાં પૂરતો ન્યાય મળે એ રીતે વણી લીધી હતી. નેટમાં કલાકો સુધી પ્રૅક્ટિસ કરીને બિશન પાજીએ પોતાની બોલિંગને ધારદાર બનાવી હતી. બૅટર જો વહેલો ક્રીઝની બહાર આવીને રમતો હોય તો એ રીતે પોતાની લાઇન ઍન્ડ લેન્ગ્થને ઍડ્જસ્ટ કરવાનો તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. બૉલ આંગળાની કરામત સાથે છૂટે એ પહેલાં કાંડાને એવો હળવો ઝટકો આપતા કે સારામાં સારો બૅટર પણ મૂંઝાઈ જતો. એ તો ઠીક, પણ તેમની આ કમાલની કરામતમાં બૅટર તેમના બૉલની ટપ સુધી પહોંચવામાં પણ સંઘર્ષ કરતો હતો.
ADVERTISEMENT
હું કુર્લાના નેહરુનગરમાં રમીને મોટો થયો હતો. હું ત્યારે રાઇટ હૅન્ડ ઑફ-સ્પિનર હતો. ત્યારે તો ટેનિસ બૉલથી જ રમતા અને નેહરુનગરના મારા મિત્રો મને ‘બેદી’ કહીને જ બોલાવતા હતા. હજી આજે પણ એ જ ઉપનામ આપીને બોલાવે છે, કારણકે બિશન પાજી અમારા બધાના આદર્શ હતા. અમારામાં તેઓ એટલા બધા લોકપ્રિય હતા કે અમે અમારી સ્ક્રેપબુક્સમાં તેમના પિક્ચર્સ ચોંટાડતા હતા. એટલું જ નહીં, ચૉકલેટના બદલામાં એ પિક્ચર્સની અદલાબદલી પણ અમે કરી લેતા હતા.
કૉમેન્ટેટર્સ માટે તો બિશન પાજી આનંદિત કરી મૂકનારી હસ્તી હતા. વિશ્વભરના બ્રૉડકાસ્ટર્સ તેમની બોલિંગ ઍક્શન, બોલિંગની વિવિધતા, બૅટર માટે છટકું ગોઠવવાની અને તેને જાળમાં ફસાવવાની કળાને બિરદાવવાનું તેમ જ પ્રેક્ષકોમાં પ્રિય તેમના પટકાના વખાણ કરતા ક્યારેય થાકતા નહોતા.
બિશન પાજી કડક સ્વભાવના શિક્ષક પણ હતા. અંગ્રેજીમાં જેને આપણે ટાસ્કમાસ્ટર તરીકે ઓળખાવીએ છીએ. તેઓ ફિટનેસના હેતુસર ક્રિકેટર્સને ખૂબ મહેનત કરવાની ફરજ પાડતા હતા. ૧૯૮૩ના ઐતિહાસિક વર્લ્ડ કપ વિજય બાદ પાકિસ્તાન સામે પહેલી સિરીઝમાં ઘણાને એ અનુભવ થયો હતો. બૅન્ગલોરની ટેસ્ટ દરમ્યાન વરસાદ પડતાં બિશન પાજી સિરીઝના રિઝર્વના તેમ જ સ્ટૅન્ટ-બાય ખેલાડીઓને નજીકના કાર્બન પાર્કમાં લઈ ગયા હતા અને ત્યાં બધાને એક કલાક દોડવા કહ્યું હતું. ત્યાર પછી અમારા બધામાં તાકાત ખતમ થઈ ત્યાં સુધી અમને પાર્કમાં દોડીને ચક્કર લગાવવા કહ્યું હતું. અમે ડ્રેસિંગ રૂમમાં પાછા આવ્યા અને લંચ બ્રેક બાદ તેઓ અમને એક હૉલમાં લઈ ગયા જ્યાં કલાક સુધી કવાયત કરાવી હતી. ટી ટાઇમ નજીક આવી ગયો અને પછી એકધારા વરસાદને કારણે એ દિવસની રમત કૉલ-ઑફ કરાઈ ત્યારે તેઓ આખી ટીમને અડધા કલાક માટે કર્ણાટક એસોસિએશનના રૂમની નજીકના એરિયામાં અડધો કલાક દોડવા માટે લઈ ગયા હતા.
બિશન પાજીમાં ગજબની રમૂજવૃિત્ત હતી. તેઓ કોઈને માટે પણ ખર્ચ કરી જાણતા અને બિલની ચિંતા કરવાનું તો કોઈના પર છોડતા જ નહોતા. તેમની તબિયત બગડી એ પહેલાં દરરોજ વૉટ્સઍપ પર જે પ્રેરણાત્મક મૅસેજીસ મોકલતા એ હવે હું હંમેશાં મિસ કરીશ.
વાહેગુરુ તેમના આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના. મને ખાતરી છે કે તેઓ તેમની નવી દુનિયામાં પણ દરેકને મૉટિવેટ કરતા રહેશે અને હસાવતા રહેશે. બિશન પાજી, તમે અમારા હૃદયમાં સદા બિરાજમાન રહેશો. હા, અમારા માટે આ દુનિયાને તમે જે રીતે પ્રસન્નચિત બનાવી હતી એવી તો હવે તમારા ગયા પછી નહીં જ જોવા મળે.

