WPLમાં બે વાર ૮૦ કે એથી વધુ રનની ઇનિંગ્સ રમનાર પ્રથમ ક્રિકેટર બની: દિલ્હી સામે ૮૧ રન કરીને ટુર્નામેન્ટનો હાઇએસ્ટ સ્કોર કર્યો બૅન્ગલોરની કૅપ્ટને
સ્મૃતિ માન્ધના
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની ચોથી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ૮ વિકેટે દિલ્હી કૅપિટલ્સ સામે જીત મેળવી હતી. દિલ્હી ૧૯.૩ ઓવરમાં ૧૪૧ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું અને બૅન્ગલોરે ૧૬.૨ ઓવરમાં બે વિકેટે ૧૪૬ રન કરીને ૧૪૨ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બૅન્ગલોરે બાવીસ બૉલ બાકી રાખીને જીત મેળવી હતી.
૧૪૨ રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલા બૅન્ગલોર માટે કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૧૭૨.૩૪ની સ્ટ્રાઇક-રેટથી ૪૭ બૉલમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૮૧ રન ફટકાર્યા હતા. આ ટુર્નામેન્ટમાં આ તેનો હાઇએસ્ટ સ્કોર હતો. આ ઇનિંગ્સ રમીને તેણે એક વિશેષ સિદ્ધિ પણ મેળવી છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ૧૦ વાર ૮૦ કે એનાથી વધુના વ્યક્તિગત સ્કોર જોવા મળ્યા છે, જેમાં પહેલી વાર કોઈ પ્લેયરે બે વાર ૮૦ કે એનાથી વધુ રન કર્યા છે. તેણે ૨૦૨૪માં યુપી વૉરિયર્સ સામે ૫૦ બૉલમાં ૮૦ રન ફટકાર્યા હતા.
ADVERTISEMENT
જેમિમા રૉડ્રિગ્સ (બાવીસ બૉલમાં ૩૪ રન) અને એનાબેલ સધરલૅન્ડ (૧૩ બૉલમાં ૧૯ રન)ની મોટી ઇનિંગ્સની મદદથી દિલ્હી માંડ-માંડ ૧૦૦+ રન કરી શક્યું હતું. બૅન્ગલોર તરફથી ફાસ્ટ બોલર રેણુકા સિંહે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. બે મૅચમાં ચાર વિકેટ લઈને તેણે પર્પલ કૅપ પોતાના નામે કરી છે.
આજે કોની ટક્કર થશે?
આ ટુર્નામેન્ટની ત્રીજી સીઝન માટે વડોદરાને ૬ મૅચની યજમાની મળી હતી જેની છઠ્ઠી અને અંતિમ મૅચ આજે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં યુપી વૉરિયર્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાશે. યુપી સામે દિલ્હી ચારમાંથી ત્રણ મૅચ જીત્યું છે, જ્યારે યુપી વૉરિયર્સ એક જ મૅચ જીતવામાં સફળ રહ્યું છે. આવતી કાલે એક દિવસના વિરામ બાદ ૨૧ ફેબ્રુઆરીથી બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટુર્નામેન્ટની મૅચો આગળ રમાશે.
મુંબઈએ હરાવ્યું ગુજરાતને
ગઈ કાલની મૅચમાં ગુજરાત ૨૦ ઓવરમાં ૧૨૦ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. મુંબઈએ ૧૬.૧ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૨ રન કરીને મૅચ જીતી લીધી હતી.

