મુંબઈનો બરોડા સામે અને મધ્ય પ્રદેશનો દિલ્હી સામે થશે જંગ
મોહમ્મદ શમી
ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024નું સેમી ફાઇનલનું શેડ્યુલ નક્કી થઈ ગયું છે. આવતી કાલે ૧૩ ડિસેમ્બરે બૅન્ગલોરમાં પહેલી સેમી ફાઇનલમાં મુંબઈનો બરોડા સામે અને બીજી સેમી ફાઇનલમાં દિલ્હીનો મધ્ય પ્રદેશ સામે જંગ થશે. ૧૫ ડિસેમ્બરે બૅન્ગલોરમાં જ આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમાશે.
ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં બંગાળ સામે બરોડાની ૪૧ રને, ઉત્તર પ્રદેશ સામે દિલ્હીની ૧૯ રને, સૌરાષ્ટ્ર સામે મધ્ય પ્રદેશની ૬ વિકેટે અને વિદર્ભ સામે મુંબઈની ૬ વિકેટે જીત થઈ હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટુર્નામેન્ટની આ ૧૭મી સીઝન રેકૉર્ડબ્રેકિંગ રહી છે.
ADVERTISEMENT
મોહમ્મદ શમીએ T20 ફૉર્મેટમાં વિકેટની ડબલ સેન્ચુરી કરી
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ગઈ કાલે બંગાળ તરફથી બરોડા સામે ચાર ઓવરમાં ૪૩ રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે T20 ફૉર્મેટમાં ૨૦૦ વિકેટની સિદ્ધિ પણ મેળવી છે. આ ફૉર્મેટમાં ૨૦૦ પ્લસ વિકેટ લેનાર તે આઠમો ભારતીય બોલર બન્યો છે. તેણે ૧૬૫ T20 મૅચમાં ૨૦૧ વિકેટ ઝડપી છે જેમાંથી તેણે ત્રણ વાર એક મૅચમાં ચાર વિકેટ ઝડપી છે. જોકે તેની ટીમ બંગાળ ક્વૉર્ટર ફાઇનલમાં ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાની ટીમ બરોડા સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.