કરાચીમાં ન્યુ ઝીલૅન્ડ સામેની થ્રિલિંગ સિરીઝ ૦-૦થી ડ્રૉ : પાકિસ્તાને ૧-૦થી શ્રેણી જીતવાની તક છેવટે ગુમાવી દીધી
સરફરાઝ અહમદે ગઈ કાલે કરાચીમાં ચોથી ટેસ્ટ-સદીને સેલિબ્રેટ તો કરી (ડાબે), પરંતુ તેની બધી મહેનત પાણીમાં ગઈ હતી. મૅચની છેલ્લી પળોમાં નસીમ શાહને તમામ ૧૦ ફીલ્ડર્સ ઘેરીને ઊભા રહી ગયા હતા (જમણે) ત્યારે નસીમે જોરદાર સિક્સર ફટકારી દીધી હતી. તસવીર: એ.એફ.પી.
કરાચીમાં ગઈ કાલે પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ બન્ને ટીમને જીતવાનો મોકો હતો અને બીજી રીતે કહીએ તો બેમાંથી કોઈ પણ ટીમ હારી શકે એમ હતું, પરંતુ બૅડ લાઇટને કારણે છેલ્લે ત્રણેક ઓવરની રમત બાકી હતી ત્યારે બન્ને ટીમના કૅપ્ટન મૅચ ડ્રૉ જાહેર કરવા સહમત થયા હતા. ગુરુવારે પાકિસ્તાન ૩૧૯ રનના લક્ષ્યાંક સામે ઝીરો પર બે વિકેટ ગુમાવી બેઠું હતું, પરંતુ ગઈ કાલે ભૂતપૂર્વ સુકાની સરફરાઝ અહમદે (૧૧૮ રન, ૧૭૬ બૉલ, ૨૮૯ મિનિટ, એક સિક્સર, નવ ફોર) યાદગાર ઇનિંગ્સ રમીને પાકિસ્તાનને પરાજયથી બચાવવાની શરૂઆત કરી હતી અને છેલ્લી પળોમાં ફાસ્ટ બોલર નસીમ શાહે (૧૫ અણનમ, ૧૧ બૉલ, પચીસ મિનિટ, એક સિક્સર, બે ફોર) સ્પિનર અબ્રાર અહમદ (૭ અણનમ, ૧૩ બૉલ, ૧૩ મિનિટ, એક ફોર) સાથે મળીને કિવી બોલર્સનો હિંમત અને સમજદારીપૂર્વક સામનો કર્યો હતો અને છેવટે મહેમાન ટીમને વિજયથી વંચિત રાખી હતી, કારણ કે પાકિસ્તાન ૩૦૪/૯ના સ્કોર સાથે ૧૫ રનથી જીતથી વંચિત રહી ગયું. જોકે ન્યુ ઝીલૅન્ડને માત્ર છેલ્લી વિકેટ નડી હતી.
સરફરાઝ-શકીલની ૧૨૩ની ભાગીદારી
ADVERTISEMENT
સાઉદ શકીલ (૩૨ રન, ૧૪૬ બૉલ, ૧૭૭ મિનિટ, ચાર ફોર) સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૨૩ રનની ભાગીદારી કરનાર સરફરાઝની નવમી વિકેટ પડ્યા બાદ નસીમ અને અબ્રાર ક્રીઝ પર હતા ત્યારે તમામ ૧૦ કિવી ફીલ્ડર્સ તેમને ઘેરી લેતા હતા, પરંતુ એ પ્રેશર વચ્ચે નસીમે એક સિક્સર તથા બે ફોર અને અબ્રારે એક ફોર ફટકારી હતી.
તેઓ ટીમના સ્કોરને ૨૮૭થી ૩૦૪ સુધી લઈ ગયા હતા, પરંતુ મૅચ ડ્રૉ જાહેર થતાં સરફરાઝ અહમદની લાજવાબ ઇનિંગ્સ એળે ગઈ હતી. તેણે પ્રથમ દાવમાં ૭૮ રન બનાવ્યા હતા.
બન્ને અવૉર્ડ સરફરાઝને
સરફરાઝ અહમદને ચાર વર્ષે ટેસ્ટ-ક્રિકેટમાં કમબૅક કરવા મળ્યું છે. નવા ચીફ સિલેક્ટર શાહિદ આફ્રિદીએ તેને ટીમમાં લેવડાવ્યો છે. સરફરાઝે કરાચીની મૅચમાં ત્રણ કૅચ પણ પકડ્યા હતા અને એક વિકેટ સ્ટમ્પ-આઉટમાં અપાવી હતી. તેને મૅન ઑફ ધ મૅચ ઉપરાંત ૮૩.૭૫ની સરેરાશે ૩૩૫ રન બનાવવા બદલ મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.