સંજુ સૅમસનના પપ્પાએ આપ્યું ચોંકાવનારું નિવેદન
સંજુ સૅમસન પપ્પા સાથે
સંજુ સૅમસનના પપ્પા વિશ્વનાથ સૅમસનનો એક ઇન્ટરવ્યુનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ‘ત્રણ-ચાર લોકો છે જેમણે મારા દીકરાની કારકિર્દીનાં ૧૦ વર્ષ બરબાદ કર્યાં છે... ધોનીજી, વિરાટજી અને રોહિતજી જેવા કૅપ્ટનો તથા કોચ દ્રવિડજી. જોકે તેમણે મારા દીકરાને જેટલું વધુ દુ:ખ પહોંચાડ્યું એટલો વધુ મજબૂત થઈને તે સંકટમાંથી બહાર આવ્યો.’
સંજુ સૅમસનને આંતરરાષ્ટ્રીય સ્તરે સાતત્યપણે તક નથી મળી એને કારણે તેના પિતાએ આ બળાપો ઠાલવ્યો છે. જુલાઈ ૨૦૧૫માં ભારતીય ટીમ માટે ડેબ્યુ કરનાર સંજુ સૅમસન અત્યાર સુધી ૧૬ વન-ડે અને ૩૬ T20 મૅચ જ રમી શક્યો છે. જોકે ૩૦ વર્ષના ક્રિકેટરે હવે પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો છે.
સંજુ સૅમસનના પપ્પાએ ભૂતપૂર્વ ક્રિકેટર કે. શ્રીકાંત પર પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘શ્રીકાંતની કમેન્ટથી મને ઘણું દુઃખ થયું. તેણે બંગલાદેશ જેવી ટીમ સામે સંજુએ ફટકારેલી સેન્ચુરીને મજાક ગણાવી હતી, પરંતુ સેન્ચુરી એ સેન્ચુરી છે. સંજુ ક્લાસિકલ પ્લેયર છે. તેની બૅટિંગ સચિન અને રાહુલ દ્રવિડ જેટલી જ ક્લાસિક છે.’