વિદેશની ધરતી પર T20માં ભારતે નોંધાવ્યો હાઇએસ્ટ સ્કોર, તિલક વર્માએ ઉપરાઉપરી ફટકારી બીજી સેન્ચુરી
સંજુ સૅમસન, તિલક વર્મા
ભારતે ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની મૅચમાં ૨૦ ઓવરમાં ૧ વિકેટે ૨૮૩ રન ફટકારીને વિદેશની ધરતી પર T20 ક્રિકેટ-ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. આ પહેલાં ભારતે વિદેશમાં વેસ્ટ ઇન્ડીઝમાં ૨૦૧૬માં ૪ વિકેટે ૨૪૪ રન કર્યા હતા એ હાઇએસ્ટ સ્કોર હતો.
ભારતનો વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન T20 ઇન્ટરનૅશનલમાં એક વર્ષમાં ત્રણ સેન્ચુરી ફટકારનારો દુનિયાનો પહેલો બૅટર બની ગયો છે. સૅમસને ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની મૅચમાં ૫૧ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. તેણે છેલ્લી પાંચ T20 ઇનિંગ્સમાં ત્રણ સેન્ચુરી ફટકારી છે. ગઈ કાલે તે ૫૬ બૉલમાં ૧૦૯ રન કરીને નૉટઆઉટ રહ્યો હતો, જેમાં ૯ સિક્સર અને ૬ ફોર હતી.
તિલક વર્મા ગઈ કાલે T20 ઇન્ટરનૅશનલમાં ઉપરાઉપરી બે સેન્ચુરી મારનારો બીજો ભારતીય ક્રિકેટર બન્યો હતો. પહેલા નંબરે સંજુ સૅમસન છે. તિલકે ગઈ કાલે ૪૧ બૉલમાં સદી પૂરી કરી હતી. તે ૪૭ બૉલમાં ૧૨૦ રન કરીને નૉટઆઉટ રહ્યો હતો, જેમાં ૧૦ સિક્સર અને ૯ ફોર હતી.