બન્ને ટીમના કૅપ્ટન નવા, પણ ખેલાડીઓની ઈજા સતાવે છે ઃ પંજાબ ગઈ સીઝનમાં છઠ્ઠા અને કલકત્તા સાતમા નંબરે હતું
પંજાબના મોહાલી શહેરમાં ગઈ કાલે વરસાદ પડતાં આજે જ્યાં પંજાબ-કલકત્તાની મૅચ રમાવાની છે અે ગ્રાઉન્ડ પરની પિચ અને આઉટફીલ્ડ ઢાંકવામાં આવ્યાં હતાં. પી.ટી.આઇ.
મોહાલીમાં આજે એવી બે ટીમ વચ્ચે ટક્કર છે જેમને પોતાના અમુક ખેલાડીઓની ઈજા સતાવી રહી છે અને થોડા વિદેશી પ્લેયર્સની ગેરહાજરી પણ ખૂંચી રહી છે. પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ ગઈ સીઝનમાં અનુક્રમે છઠ્ઠા અને સાતમા નંબરે રહ્યું હતું, પરંતુ આજે તેઓ પોતાનાથી બેસ્ટ પર્ફોર્મ કરીને ગઈ સીઝનની નિષ્ફળતા ભૂલવાની શરૂઆત કરશે. થોડાં વર્ષોથી ટીમ-સિલેક્શનની બાબતમાં બન્ને ટીમ નબળી સાબિત થઈ છે.
સૅમ કરૅનને પંજાબે ૧૮.૫૦ કરોડમાં ખરીદેલો
બન્ને ટીમને નવો કૅપ્ટન મળ્યો છે. શિખર ધવન પંજાબની ટીમની કમાન સંભાળશે અને નીતિશ રાણાને શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં કાર્યવાહક સુકાની તરીકેની જવાબદારી મળી છે. ઇંગ્લૅન્ડનો લેફ્ટ-હૅન્ડ ઑલરાઉન્ડર સૅમ કરૅન ઑક્શનમાં ૧૮.૫૦ કરોડ રૂપિયાના ભાવે સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો અને આજથી તેણે સારું રમી બતાવવું પડશે. કાગળ પર કલકત્તા કરતાં પંજાબની ટીમ વધુ મજબૂત જણાય છે, પરંતુ ઈજાગ્રસ્ત જૉની બેરસ્ટૉની બાદબાકીથી પંજાબ ટીમને કૉમ્બિનેશન્સ બનાવવામાં થોડી તકલીફ પડશે. બેરસ્ટૉની ગેરહાજરીમાં કદાચ મૅથ્યુ શૉર્ટ કૅપ્ટન શિખર સાથે દાવની શરૂઆત કરશે. લિઆમ લિવિંગસ્ટન અને કૅગિસો રબાડા હજી નથી આવ્યા અને તેમની ગેરહાજરીમાં અર્શદીપ સિંહ, રિશી ધવન, સૅમ કરૅન તેમ જ સ્પિનર રાહુલ ચાહર બોલિંગ ડિપાર્ટમેન્ટ સંભાળશે. બૅટિંગમાં સિકંદર રઝા પણ ઘણો ઉપયોગી બની શકે.
ADVERTISEMENT
કલકત્તાના રસેલ, રિન્કુ પર નજર
કલકત્તાને ઈજાગ્રસ્ત શ્રેયસ ઉપરાંત આજની મૅચમાં શાકિબ-અલ-હસન અને લિટન દાસની ગેરહાજરી વર્તાશે, પરંતુ આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ તેમ જ પિંચહિટર્સ ડેવિડ વિસ, રિન્કુ સિંહ અને (અફઘાનિસ્તાનનો) રહમુનુલ્લા ગુરબાઝ પંજાબના બોલિંગ-આક્રમણનો સારો જવાબ આપી શકે એમ છે. બોલિંગમાં ટિમ સાઉધી અને ઉમેશ યાદવ ઉપરાંત શાર્દુલ ઠાકુર અને વરુણ ચક્રવર્તી પણ કલકત્તા પાસે છે.
બન્ને ટીમમાં કોણ-કોણ છે?
પંજાબ કિંગ્સ ઃ શિખર ધવન (કૅપ્ટન), મૅથ્યુ શૉર્ટ, સૅમ કરૅન, રિશી ધવન, નૅથન એલિસ, રાહુલ ચાહર, ભાનુકા રાજાપક્સા, એમ. શાહરુખ ખાન, જિતેશ શર્મા, અર્શદીપ સિંહ, સિકંદર રઝા, બલતેજ સિંહ, રાજ બાવા, હરપ્રીત બ્રાર, હરપ્રીત સિંહ, વિદવાથ કેવરપ્પા, મોહિત રાઠી, પ્રભસિમરન સિંહ, શિવમ સિંહ, અથર્વ ટેઇડ, કૅગિસો રબાડા, લિઆમ લિવિંગસ્ટન.
કલકત્તા નાઇટ રાઇડર્સ ઃ નીતિશ રાણા (કૅપ્ટન), આન્દ્રે રસેલ, રિન્કુ સિંહ, વેન્કટેશ ઐયર, સુનીલ નારાયણ, ડેવિડ વિસ, રહમુનુલ્લા ગુરબાઝ, ટિમ સાઉધી, વૈભવ અરોરા, લૉકી ફર્ગ્યુસન, હર્ષિત રાણા, એન. જગદીશન, કુલવંત ખેજરોલિયા, મનદીપ સિંહ, અનુકૂલ રૉય, સુયશ શર્મા, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, ઉમેશ યાદવ, શાકિબ-અલ-હસન, લિટન દાસ.