બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થતી ઇન્ટરનૅશનલ માસ્ટર્સ T20 લીગમાં ભારતનું નેતૃત્વ કરનારા માસ્ટર બ્લાસ્ટરે ગઈ કાલે આ ફોટો શૅર કરીને ચાહકોને કહ્યું : હું તૈયાર છું, તમે તૈયાર છો?
તેન્ડુલકરે શૅર કર્યો આઇકોનિક પોઝવાળો ફોટો (ડાબે). સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા સચિનના પ્રૅક્ટિસ દરમ્યાનના ફોટોગ્રાફ્સ.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર ઇન્ટરનૅશનલ માસ્ટર્સ T20 લીગ સાથે ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટમાં વિશ્વના તમામ ભૂતપૂર્વ સ્ટાર પ્લેયર્સ સ્પર્ધા કરશે. એમાં ઇન્ડિયા માસ્ટર્સનું નેતૃત્વ કરનાર સચિન તેન્ડુલકર નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમ, વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમ અને રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રમતો જોવા મળશે. બાવીસ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ દરમ્યાન રમાનારી આ ટુર્નામેન્ટ માટે તેન્ડુલકરે પ્રૅક્ટિસ-સેશન શરૂ કરી દીધાં છે. હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાનો આઇકોનિક પોઝવાળો ફોટો શૅર કરીને તેન્ડુલકરે લખ્યું છે, ‘હું તૈયાર છું, તમે તૈયાર છો?’
તેન્ડુલકરે છેલ્લે ૨૦૨૨માં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયા લેજન્ડ્સની ટીમના ભારતીય પ્લેયર્સ સાથે ક્રિકેટના મેદાન પર ધૂમ મચાવી હતી. ૨૦૨૪માં તે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં અક્ષયકુમાર સામે ફ્રેન્ડ્લી મૅચ પણ રમ્યો હતો.

