બે મૅચની સિરીઝ ૧-૧થી ટાઇ થઈ, આયરલૅન્ડ ટીમના બે ભાઈની જોડી ચમકી
રોસ અડૅરે (ડાબે) સિરીઝમાં ૧૧૮ રન ફટકારીને પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ મેળવ્યો છે. જ્યારે માર્ક અડૅરે (જમણે) ૬૨ રન આપીને પાંચ વિકેટ ઝડપીને સિરીઝમાં બોલર તરીકે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
UAEના અબુ ધાબીમાં રમાયેલી T20 સિરીઝની બીજી મૅચમાં આયરલૅન્ડે સાઉથ આફ્રિકાને ૧૦ રને હરાવ્યું હતું. પ્રથમ બૅટિંગ કરતાં આયરલૅન્ડે ૬ વિકેટે ૧૯૫ રન ફટકાર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ૯ વિકેટે ૧૮૫ રન જ બનાવી શકી હતી. પહેલી મૅચ સાઉથ આફ્રિકાએ ૮ વિકેટે જીતી હતી જેના કારણે બે મૅચની સિરીઝ ૧-૧થી ટાઇ થઈ હતી.
આયરલૅન્ડની આ જીતમાં છોડે મિયાં અને બડે મિયાંની જોડી એટલે કે બે ભાઈની ભૂમિકા નિર્ણાયક રહી હતી. મોટા ભાઈ રોસ અડૅરે ૩૦ વર્ષની ઉંમરે પાંચ ચોગ્ગા અને ૯ છગ્ગાની મદદથી ૫૮ બૉલમાં ૧૦૦ રન ફટકારીને T20 ઇન્ટરનૅશનલમાં પોતાની પહેલી સેન્ચુરી ફટકારી છે. ઈજાને કારણે રગ્બી છોડીને જાન્યુઆરી ૨૦૨૩માં તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ૨૮ વર્ષના નાના ભાઈ માર્ક અડૅરે ૩૧ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
SA vs IRE T20I: આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બનેલા રોસ અડૅરે સિરીઝમાં ૧૧૮ રન ફટકારીને પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ પણ મેળવ્યો છે. જ્યારે માર્કે ૬૨ રન આપીને પાંચ વિકેટ ઝડપીને સિરીઝમાં બોલર તરીકે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.