બંગલાદેશ બન્ને ઇનિંગ્સમાં આૅલઆઉટ થતાં સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૨૭૩ રને જીત મેળવી : ૨-૦થી જીતી સિરીઝ
વિકેટની ઉજવણી કરતા સાઉથ આફ્રિકન ટીમના પ્લેયર્સ.
સાઉથ આફ્રિકાએ ગઈ કાલે બે મૅચની ટેસ્ટ-સિરીઝની બીજી મૅચમાં બંગલાદેશને ઇનિંગ્સ અને ૨૭૩ રને હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ ૬ વિકેટે ૫૭૫ રન પર પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો એના જવાબમાં બંગલાદેશ બે વખત ઑલઆઉટ થઈ ગયું હતું. બંગલાદેશે ૦-૨થી ક્લીન સ્વીપ કર્યું હતું. પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૭ વિકેટે જીત મેળવી હતી.
ટેસ્ટ-ઇતિહાસમાં સાઉથ આફ્રિકાની આ સૌથી મોટી જીત હતી. આ પહેલાં સાઉથ આફ્રિકાએ ૨૦૧૭માં બંગલાદેશ સામે (એક ઇનિંગ્સ અને ૨૫૪ રન) હાંસલ કરવાનો રેકૉર્ડ કર્યો હતો. ટેસ્ટમાં બંગલાદેશની આ બીજી સૌથી મોટી હાર છે. ૨૦૦૨માં બંગલાદેશ ઢાકામાં વેસ્ટ ઇન્ડીઝ સામે એક ઇનિંગ્સ અને ૩૧૦ રને હાર્યું છે.
ADVERTISEMENT
બંગલાદેશ પહેલી ઇનિંગ્સમાં ૧૫૯ રને (૪૫.૨ ઓવર) ઑલઆઉટ થતાં સાઉથ આફ્રિકાએ ફૉલોઑનની જાહેરાત કરી હતી. એ સમયે સાઉથ આફ્રિકા પાસે ૪૧૬ રનની મોટી લીડ હતી. બીજી ઇનિંગ્સમાં પણ બંગલાદેશના બૅટર્સ ફેલ થતાં આખી ટીમ ૧૪૩ રનના સ્કોરે ઑલઆઉટ થઈ હતી. ટોની ડીઝોર્ઝી (૧૭૭ રન) પ્લેયર ઓફ ધ મૅચ અને ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (૧૪ વિકેટ) પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો હતો. ત્રણ બૅટર્સની પહેલી ટેસ્ટ-સેન્ચુરી જેવા રસપ્રદ રેકૉર્ડ સાથે સાઉથ આફ્રિકા માટે આ સિરીઝ યાદગાર સાબિત થઈ હતી.