ટેલર અને હું હજી બેસ્ટ ફ્રેન્ડ નથી,પણ એકબીજા પ્રત્યે અમને માન છે:મૅક્લમ
ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન બ્રેન્ડન મૅક્લમનું કહેવું છે કે રોસ ટેલર અને હું હજી બેસ્ટ ફ્રેન્ડ નથી, પણ અમને એકબીજા પ્રત્યે માન છે. નોંધનીય છે કે ૨૦૧૧ વર્લ્ડ કપ પછી ડેનિયલ વિટ્ટોરીએ કપ્તાનપદેથી રાજીનામું આપતાં ટેલર અને મૅક્લમ વચ્ચે વ્યક્તિગત મતભેદ થયા હતા.
આ બાબતના સંદર્ભમાં મૅક્લમે કહ્યું, ‘એ વાતે મારી અને ટેલર વચ્ચેની મિત્રતાના સંબંધ પર પ્રેશર લાવી દીધું હતું. રોસ સાથે અન્ડર-એજ ક્રિકેટમાં મારા ઘણા સારા સંબંધ હતા. અન્ડર-19 ટીમમાં હું ટીમનો કૅપ્ટન હતો અને ટેલર વાઇસ-કૅપ્ટન.’
એ ઘટનાને યાદ કરતાં મૅક્લમે કહ્યું કે ‘અમારે ક્રિકેટના એક ઇન્ટરવ્યુ માટે જવાનું હતું જ્યાં ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટના ભવિષ્ય વિશે અમારે ચર્ચા કરવાની હતી. મને જરાય ખબર નહોતી કે શું થશે. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ માટે એ ઘણો કપરો સમય હતો. એ સમયે હું જવા નહોતો માગતો અને ટેલરને કૅપ્ટન બનાવી દો એમ કહેવાની ઇચ્છા થતી હતી. આ વાતે મારા પર અને ટેલર પર ઘણું પ્રેશર લાવી દીધું અને છેલ્લે રોસ પાસેથી કપ્તાનપદ લઈને મને સોંપવામાં આવ્યું.’
મૅક્લમના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨માં શ્રીલંકા ટેસ્ટ-સિરીઝ દરમ્યાન રોસ ટેલર અને કોચ માઇક હસનના સંબંધોમાં ખટરાગ ઉત્પન્ન થયા હતા જેનાં માઠાં પરિણામ ટીમને ભોગવવા પડ્યાં હતાં. એક સમય હતો જ્યારે ટેલર ન્યુ ઝીલૅન્ડની ટેસ્ટ ટીમને જ્યારે મૅક્લમ વન-ડે ટીમને લીડ કરતો હતો, પણ પછીથી તેણે કપ્તાનપદની ના પાડી દીધી હતી. ડિસેમ્બર ૨૦૧૨માં મૅક્લમે ક્રિકેટની તમામ ફૉર્મેટની કપ્તાની સ્વીકારી અને ૨૦૧૬ સુધી કન્ટીન્યુ કરી. તેના રિટાયર થતાં કેન વિલિયમસનના હાથમાં ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી.

