ત્રણ મૅચમાં ૬.૨૦ની એવરેજથી માત્ર ૩૧ રન બનાવ્યા છે કૅપ્ટન રોહિત શર્માએ
રોહિત શર્મા
ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માના નામે ઑસ્ટ્રેલિયાની ધરતી પર એક શરમજનક રેકૉર્ડ નોંધાયો છે. તેણે ઑસ્ટ્રેલિયા સામે બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં આ સિરીઝની ત્રણ મૅચમાં ૬.૨૦ની ઍવરેજથી માત્ર ૩૧ રન બનાવ્યા છે. ઑસ્ટ્રેલિયામાં પહેલી વાર કોઈ વિદેશી કૅપ્ટને એક ટેસ્ટ-સિરીઝમાં ઓછામાં ઓછી પાંચ ઇનિંગ્સ રમતાં સાતથી ઓછી બૅટિંગ-ઍવરેજથી રન બનાવ્યા છે. આ પહેલાં આ શરમજનક રેકૉર્ડ વેસ્ટ ઇન્ડીઝના કોર્ટની વૉલ્શ (૭.૭૫)ના નામે હતો.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલના કૉમેન્ટેટર ઇરફાન પઠાણ અને રવિ શાસ્ત્રીએ આ ભારતીય કૅપ્ટનને ઝડપથી નિવૃત્તિ લઈ લેવાની સલાહ આપી છે. રવિ શાસ્ત્રી કહે છે કે ‘તેણે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ બાદ પોતાના ભવિષ્ય વિશે નિર્ણય લઈ લેવો જોઈએ. ટૉપ ઑર્ડરમાં તેનું ફુટવર્ક હવે પહેલાં જેવું નથી રહ્યું, તે કદાચ ઘણા શૉટ રમવામાં મોડું કરે છે એટલે તેણે સિરીઝના અંતે નિર્ણય લેવો પડશે.’
ADVERTISEMENT
ઇરફાન પઠાણ કહે છે કે ‘રોહિતનું ફૉર્મ તેનો સાથ નથી આપી રહ્યું. તે કૅપ્ટન છે એટલે ટીમમાં રમી રહ્યો છે. જો તે કૅપ્ટન ન હોત તો કદાચ હમણાં રમી પણ ન રહ્યો હોત. બૅટિંગ સમયે તેના સંઘર્ષને જોઈને લાગી રહ્યું છે કે કદાચ પ્લેઇંગ-ઇલેવનમાં પણ જગ્યા નહીં મળવી જોઈએ.’