ચોથા દિવસે પહેલા સેશનમાં ૬ વિકેટ ગુમાવીને ૨૮૦ રનથી પહેલી ટેસ્ટ હાર્યું બંગલાદેશ, ભારતે બે મૅચની સિરીઝમાં ૧-૦થી મેળવી લીડ
ગઈ કાલે બંગલાદેશ સામે પહેલી ટેસ્ટ-મૅચ જીત્યા બાદ એકમેકને અભિનંદન આપી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ.
ન્યુ ઝીલૅન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, બંગલાદેશ અને આયરલૅન્ડ હજી સુધી આ સિદ્ધિ હાંસલ કરી શક્યાં નથી
રોહિત ઍન્ડ કંપનીએ ગઈ કાલે બંગલાદેશને ચેન્નઈ ટેસ્ટમાં ૨૮૦ રનથી હરાવીને બે મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. પહેલી ટેસ્ટ જીતવા માટેના ૫૧૫ રનના ટાર્ગેટનો પીછો કરતાં બંગલાદેશની ટીમ બીજા દાવમાં ૨૩૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી એમાં કૅપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ સૌથી વધુ ૮૨ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિચન્દ્રન અશ્વિને બીજી ઇનિંગ્સમાં છ અને રવીન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
ચોથા દિવસની શરૂઆતમાં જીત માટે બંગલાદેશને ૩૫૭ રન અને ભારતને છ વિકેટની જરૂર હતી. ચાર વિકેટે ૧૫૮ રનના સ્કોર સાથે દિવસની શરૂઆત કરનાર બંગલાદેશની ટીમે પહેલા સેશનમાં ૭૬ રન ઉમેર્યા બાદ બાકીની છ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે પહેલી ઇનિંગ્સમાં અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની સાતમી વિકેટની ૧૯૯ રનની પાર્ટનરશિપની મદદથી ૩૭૬ રન ફટકાર્યા હતા. બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમે શુભમન ગિલ અને રિષભ પંતની ચોથી વિકેટની ૧૬૭ રનની પાર્ટનરશિપની મદદથી ૨૮૭ રને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. મહેમાન ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૪૯ રને ઑલઆઉટ થઈ હતી. પહેલી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારીને બીજી ઇનિંગ્સમાં ૮૮ રન આપીને ૬ વિકેટ લેનાર અશ્વિન પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો છે.
૧૯૩૨માં ભારત પહેલી વાર ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-મૅચ રમ્યું હતું ત્યારથી લઈને આ જ સુધી ૯૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય ટીમ ટેસ્ટમાં હાર કરતાં વધારે જીત નોંધાવી શકી હતી. ચેન્નઈ ટેસ્ટ પહેલાં ટેસ્ટમાં ભારતીય ટીમે ૧૭૮ જીત અને ૧૭૮ હાર મેળવી હતી. આ જીત સાથે ભારતીય ટીમે પહેલી વાર ટેસ્ટમાં જીતની ટકાવારી ૫૦ પ્લસ કરી છે. એને આ સિદ્ધિ મેળવવા માટે
૫૮૦ ટેસ્ટ રમવી પડી. ભારત પહેલાં ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાએ આ સિદ્ધિ મેળવી છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, બંગલાદેશ અને આયરલૅન્ડ જેવી ટેસ્ટ-નેશન ટીમ હજી પોતાની જીતની ટકાવારી હારની ટકાવારીથી વધારી શકી નથી.
ટેસ્ટ-ક્રિકેટમાં ભારતીય
ટીમનું પ્રદર્શન
મૅચ ૫૮૦
જીત ૧૭૯
હાર ૧૭૮
ડ્રૉ ૨૨૨
ટાઈ ૦૧
અમારે ખરેખર અમારી શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને અમારી જાત પર વિશ્વાસ કરવો પડશે. હું માનું છું કે અમારી ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે અને મને આશા છે કે તેઓ મજબૂત પુનરાગમન કરશે. - બંગલાદેશના કૅપ્ટન નઝમુલ હુસૈન શાંતો
અમે લાંબા સમય પછી ટેસ્ટ-મૅચ રમી રહ્યા છીએ. અમે એક અઠવાડિયા પહેલાં જ ચેન્નઈ આવ્યા છીએ અને સારી તૈયારી કરી છે. અમને જોઈતું પરિણામ મળ્યું. - ભારતીય કૅપ્ટન રોહિત શર્મા