તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારા અને જસ્ટિન લૅન્ગર માટે આ સૌથી ખરાબ સ્થિતિ છે.
રિકી પૉન્ટિંગ
બાવીસમીથી ૨૬ નવેમ્બર વચ્ચે રમાનારી પર્થ ટેસ્ટ વચ્ચે IPL 2025ના મેગા ઑક્શનનું આયોજન ક્રિકેટ ફૅન્સ માટે મનોરંજનનો ડબલ ડોઝ હશે પણ રિકી પૉન્ટિંગ આ શેડ્યુલથી નારાજ છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારા અને જસ્ટિન લૅન્ગર માટે આ સૌથી ખરાબ સ્થિતિ છે. અમે છેલ્લા કેટલાક મહિનાથી વિચારી રહ્યા હતા કે ટેસ્ટ-મૅચ અને ઑક્શન વચ્ચે કદાચ અંતર હશે. ઑક્શનમાં બન્ને ટીમના ઘણા પ્લેયર્સ છે, આનાથી બન્ને ટીમના પ્લેયર્સ પણ પ્રેશરથી દૂર રહ્યા હોત, પરંતુ મને ખબર નથી કે તેઓએ મેગા ઑક્શન માટે આ તારીખો શા માટે પસંદ કરી છે. કદાચ એનો રમત સાથે કંઈક સંબંધ હશે. દિવસની રમત સમાપ્ત થયા પછી તરત જ ઑક્શન શરૂ થાય છે. એથી એનો બ્રૉડકાસ્ટિંગ સાથે કંઈક સંબંધ હોઈ શકે છે.’
અહેવાલ અનુસાર પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પૉન્ટિંગ અને લખનઉ સુપર જાયન્ટ્સના હેડ કોચ જસ્ટિન લૅન્ગર પર્થ ટેસ્ટના પહેલા દિવસે ચૅનલ-7 માટે કૉમેન્ટરી કર્યા બાદ મેગા ઑક્શન માટે સાઉદી અરેબિયા રવાના થશે. ૨૪ અને ૨૫ નવેમ્બરે આયોજિત આ ઑક્શન માટે ઑસ્ટ્રેલિયાના બોલિંગ-કોચની જવાબદારીમાંથી થોડા સમય માટે મુક્ત થઈ સનરાઇઝર્સ હૈદરાબાદનો હેડ કોચ ડેનિયલ વેટોરી જેદ્દાહ જવા રવાના થઈ ગયો છે.