૨૦૨૩થી બૅન્ગલોરની જીતની ટકાવારી હોમ ગ્રાઉન્ડ કરતાં ઘરની બહાર વધારે રહી છે
પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારોના સવાલના જવાબ આપી રહેલો બૅન્ગલોરનો મેન્ટર અને બૅટિંગ કોચ દિનેશ કાર્તિક.
ગુરુવારે દિલ્હી કૅપિટલ્સ (DC) સામે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મળેલી હારને કારણે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ એક અનિચ્છનીય રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. બૅન્ગલોર હવે IPL ઇતિહાસમાં એક વેન્યુ પર સૌથી વધુ મૅચ હારનારી ટીમ બની છે. બૅન્ગલોરે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ૯૩માંથી ૪૫ મૅચમાં હારનો સામનો કર્યો છે. બૅન્ગલોરે દિલ્હીના ૪૪ હારના રેકૉર્ડને પાછળ છોડીને આ રેકૉર્ડ કર્યો છે.
વર્તમાન સીઝનમાં બૅન્ગલોર પાંચમાંથી ત્રણ મૅચ જીત્યું છે અને બે મૅચ હાર્યું છે. આ બન્ને હાર તેમને પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ મળી છે. IPL 2023થી બૅન્ગલોરનો પોતાના હોમ ગ્રાઉન્ડ પર રેકૉર્ડ સારો નથી રહ્યો. ૨૦૨૩થી હોમ ગ્રાઉન્ડ પર બૅન્ગલોરની જીતની ટકાવારી માત્ર ૪૩.૭૫ ટકા રહી છે, જ્યારે ઘરની બહાર બૅન્ગલોરની જીતની ટકાવારી ૫૫.૫૫ ટકા રહી છે.
ADVERTISEMENT
અમે હોમ ગ્રાઉન્ડ પર જે પિચની માગણી કરી હતી એ મળી નથી. એ એવી પિચ હતી જેના પર બૅટિંગ કરવાનું પડકારજનક હતું. અમારે પિચ-ક્યુરેટર સાથે વાત કરવી પડશે.
- RCB મેન્ટર અને બૅટિંગ કોચ દિનેશ કાર્તિક
IPLમાં એક જ વેન્યુ પર સૌથી વધુ મૅચ હારેલી ટીમ
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ : RCBની ૯૩માંથી ૪૫ મૅચમાં હાર
અરુણ જેટલી સ્ટેડિયમ : DCની ૮૨માંથી ૪૪ મૅચમાં હાર
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ : KKRની ૯૧માંથી ૩૮ મૅચમાં હાર
વાનખેડે સ્ટેડિયમ : MIની ૮૭માંથી ૩૪ મૅચમાં હાર
મોહાલી સ્ટેડિયમ : PBKSની ૬૧માંથી ૩૦ મૅચમાં હાર

