રવિચન્દ્રન અશ્વિને રિટાયરમેન્ટ પછી પહેલી વાર એના વિશે વાત કરી
રવિચન્દ્રન અશ્વિન
ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીની અધવચ્ચેથી ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને રિટાયરમેન્ટ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર તેની સાથે અન્યાય થયો છે અને તેનું અપમાન થયું છે એવી વાત વહેતી થઈ હતી, પણ ગઈ કાલે આ બધી વાતોને અફવા ગણાવી અશ્વિને પોતાની નિવૃત્તિનું કારણ જાણાવ્યું હતું.
ગૅબા ટેસ્ટ-મૅચ બાદ રિટાયરમેન્ટ લેનાર અશ્વિન કહે છે, ‘મને બ્રેકની જરૂર હતી. મેં સિરીઝ વચ્ચેથી છોડી દીધી. મેં ક્રિકેટ વિશે વધારે વાત નથી કરી. જોકે મેં સિડની અને મેલબર્ન ટેસ્ટ-મૅચ વચ્ચે સોશ્યલ મીડિયા પર કેટલીક પોસ્ટ શૅર કરી હતી. મેં નિવૃત્તિ વિશે વાત નહીં કરી, કારણ કે હું ડ્રેસિંગ રૂમમાં હતો અને મારા માટે ડ્રેસિંગ રૂમની પવિત્રતાનું સન્માન કરવું જરૂરી છે. આજકાલ ફૅન-વૉર ખૂબ ઝેરીલી થઈ ગઈ છે.’
ADVERTISEMENT
ઘણા લોકો ઘણી બધી વસ્તુઓ કહી રહ્યા છે, પણ એવું કશું જ થયું નથી એમ જણાવતાં અશ્વિન કહે છે, ‘એ સમયે મને લાગ્યું કે મેં મારી ક્રીએટિવિટી ગુમાવી દીધી છે. અંત સુખદ પણ હોઈ શકે છે. એના વિશે વધારે અનુમાન લગાવવાની જરૂર નથી. હું અંગત રીતે માનું છું કે ફેરવેલ મૅચમાં કંઈ ખાસ મહત્ત્વનું નથી. હું ફક્ત પ્રામાણિક રહેવા માગું છું. જરા કલ્પના કરો, જો મને ફેરવેલ ટેસ્ટ-મૅચ મળે પણ હું ટીમમાં સ્થાન મેળવવાને લાયક ન હોઉં તો હું ખુશ નહીં હોઉં. મારા ક્રિકેટમાં ઘણું બધું હતું, પણ ત્યારે રોકાઈ જવું જ વધારે સારું હતું.’