તે એક ટેસ્ટ-વેન્યુ પર બે વાર સેન્ચુરી ફટકારીને ફાઇફર લેનાર પણ પહેલો ક્રિકેટર બની ગયો છે
રવિચન્દ્રન અશ્વિન
ચેન્નઈમાં જન્મેલા રવિચન્દ્રન અશ્વિને ચેન્નઈ ટેસ્ટમાં ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતવાની સાથે અનેક કીર્તિમાન પોતાને નામે કર્યાં હતાં. ૧૦૧ ટેસ્ટમાં તેણે ૬ સેન્ચુરી અને ૧૪ વાર ૫૦ પ્લસ સ્કોર કરવાની સાથે ૩૭ વાર ફાઇફર પણ લીધી છે જેના કારણે તે ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ૨૦ વાર ૫૦ પ્લસ સ્કોર કરવાની સાથે ૩૭ વાર ફાઇફર લેનાર દુનિયાનો પહેલવહેલો ક્રિકેટર બની ગયો છે. અશ્વિને ટેસ્ટ-ક્રિકેટમાં પ્લેયર ઑફ ધ મૅચ - પ્લેયર ઑફ ધ સિરીઝ મળીને કુલ ૨૦ અવૉર્ડ જીત્યા છે જેથી તે સચિન તેન્ડુલકર (૧૯ અવૉર્ડ)ને પછાડીને સૌથી વધુ ટેસ્ટ-અવૉર્ડ જીતનાર ભારતીય ખેલાડી પણ બન્યો છે.
ચેન્નઈ ટેસ્ટમાં તેણે જામનગરના દિગ્ગજ ક્રિકેટર વિનુ માંકડના બે રેકૉર્ડ તોડ્યા છે. બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ લઈને તે એક ઇનિંગ્સમાં પાંચ કે એથી વધુ વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય બન્યો છે. આ પહેલાં આ રેકૉર્ડ વિનુ માંકડના નામે હતો જેણે ૧૯૫૫માં પેશાવરમાં પાકિસ્તાન વિરુદ્ધ ૩૭ વર્ષ ૩૦૭ દિવસમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો. અશ્વિને ૩૮ વર્ષ બે દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. તે ટેસ્ટમાં સેન્ચુરી કરીને ફાઇફર લેનાર સૌથી ઓલડેસ્ટ ભારતીય પણ બન્યો છે. વિનુ માંકડે જૂન ૧૯૫૨માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-મૅચમાં ૧૮૪ રનની ઇનિંગ્સ રમી અને ૧૯૬ રનમાં પાંચ વિકેટ પણ લીધી હતી, જ્યારે માંકડે આવી સિદ્ધિ હાંસલ કરી ત્યારે તેની ઉંમર ૩૫ વર્ષ, બે મહિના અને ૭ દિવસ હતી.
ADVERTISEMENT
તે એક ટેસ્ટ-વેન્યુ પર બે વાર સેન્ચુરી ફટકારીને ફાઇફર લેનાર પણ પહેલો ક્રિકેટર બની ગયો છે. આ પહેલાં તેણે ચેન્નઈમાં ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ સામે આવું જ પ્રદર્શન કર્યું હતું. અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ ફાઇફર લેનાર ક્રિકેટર પણ બની ગયો છે. તેણે આ ચૅમ્પિયનશિપ દરમ્યાન ૧૨મી વખત આવું કર્યું અને ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયન (૧૧ વાર)નો રેકૉર્ડ તોડ્યો છે. અશ્વિને ટેસ્ટ-મૅચોમાં સૌથી વધુ ફાઇફર ઝડપનારા બોલરોની યાદીમાં ઑસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વૉર્નની બરાબરી કરી લીધી છે. તે ૩૭ ફાઇફર સાથે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરન (૬૭ ફાઇફર) ટોચ પર છે.
હું બોલરની જેમ વિચારું છું અને બૅટિંગ મારા માટે સ્વાભાવિક છે. આ એક લાંબી ટેસ્ટ-સીઝન છે, મારે એક સમયે એક મૅચ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે - રવિચન્દ્રન અશ્વિન
99- આટલી વિકેટ અશ્વિને ચોથી ઇનિંગ્સમાં ઝડપી છે, ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીયોમાં તેણે અનિલ કુંબલે (૯૪ વિકેટ)ને પાછળ છોડ્યો છે
4 - આટલી વાર એક જ ટેસ્ટમાં સેન્ચુરી સાથે ફાઇફર લઈ ચૂક્યો છે અશ્વિન