રણજી ટ્રોફીની મૅચમાં ભારતના સ્ટાર ક્રિકેટર્સની નિરાશાજનક વાપસી
રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ
માત્ર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બોલિંગ-બૅટિંગમાં બન્નેમાં ચમકારો બતાવ્યો
ભારતીય ક્રિકેટ બોર્ડની ગાઇડલાઇન્સ અને ભૂતપૂર્વ ક્રિકેટર્સની સલાહ માનીને કેટલાક ભારતીય ક્રિકેટસ્ટાર રણજી ટ્રોફીની મૅચ રમવા ઊતર્યા હતા, પણ ગઈ કાલે કૅપ્ટન રોહિત શર્મા સહિતના સ્ટાર ક્રિકેટર્સે ડોમેસ્ટિક ક્રિકેટમાં નિરાશાજનક વાપસી કરી હતી. ફક્ત અનુભવી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જ અપેક્ષાઓ પર ખરો ઊતર્યો હતો. બૅટર કે. એલ. રાહુલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સહિતના અન્ય સ્ટાર ૩૦ જાન્યુઆરીથી રણજી ટ્રોફી રમવા ઊતરશે. ગળાની ઇન્જરીમાંથી ફિટ થઈ રહેલાે સ્ટાર બૅટર વિરાટ કોહલી પણ આગામી દિલ્હી વતી રણજી મૅચ રમે એવી આશા છે.
ADVERTISEMENT
રાજકોટમાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ દિલ્હી સામે સૌરાષ્ટ્ર માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રવીન્દ્ર જાડેજાએ ૧૭.૪ ઓવરમાં ૬૬ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. દિલ્હીની ટીમ ૪૯.૪ ઓવરમાં ૧૮૮ રનમાં સમેટાઈ ગઈ હતી. વિકેટકીપર-બૅટર રિષભ પંત દિલ્હી માટે ૧૦ બૉલમાં માત્ર એક રન બનાવી કૅચઆઉટ થયો હતો. પહેલા દિવસે બૅટિંગ દરમ્યાન જાડેજાએ ૩૬ બૉલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૩૮ રન કરીને ટીમનો સ્કોર ૧૬૩/૫ સુધી પહોંચાડીને પચીસ રનની લીડ અપાવી હતી.
લાંબા સમય બાદ ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા મુંબઈના ઓપનર્સ યશસ્વી જાયસવાલ (૮ બૉલમાં ૪ રન) અને રોહિત શર્મા (૧૯ બૉલમાં ત્રણ રન) ગઈ કાલે જમ્મુ-કાશ્મીર સામે ફ્લૉપ સાબિત થયા હતા. બૅન્ગલોરમાં કર્ણાટક સામેની મૅચમાં પંજાબનો કૅપ્ટન શુભમન ગિલ ૮ બૉલમાં એક ચોગ્ગો ફટકારીને કૅચઆઉટ થયો હતો. લાંબા સમય બાદ વાપસી કરી રહેલા રોહિત (૩ રન), યશસ્વી (૪ રન), ગિલ (૪ રન) અને પંત (૧ રન)ના રનનો સરવાળો માત્ર ૧૨ રન થઈ રહ્યો છે. આગામી સમયમાં ફૅન્સ તેમની પાસે સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે.
રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલ રહ્યા ફ્લૉપ ત્યારે મુંબઈની લાજ બચાવી શાર્દૂલ ઠાકુરે
ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં મુંબઈ અને જમ્મુ-કાશ્મીરની રણજી મૅચ શરૂ થઈ હતી. ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી મુંબઈની ટીમે ૩૩.૨ ઓવરમાં ૧૨૦ રન બનાવ્યા હતા. દિવસના અંતે ૪૨ ઓવરમાં ૭ વિકેટે ૧૭૪ રન કરીને જમ્મુ-કાશ્મીરે ૫૪ રનની લીડ મેળવી હતી. મુંબઈના ઓપનર્સ યશસ્વી જાયસવાલ (૮ બૉલમાં ૪ રન) અને રોહિત શર્મા (૧૯ બૉલમાં ત્રણ રન)ની ખરાબ શરૂઆત બાદ ટીમના અન્ય સ્ટાર પ્લેયર પણ સસ્તામાં આઉટ થયા હતા. અજિંક્ય રહાણે (૧૭ બૉલમાં ૧૨ રન), શ્રેયસ ઐયર (૭ બૉલમાં ૧૧ રન) અને શિવમ દુબે (શૂન્ય રન)નું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે ૫૭ બૉલમાં ૫૧ રનની ઇનિંગ્સ રમીને મુંબઈની લાજ બચાવી હતી.
મુંબઈ પિકલ પાવર ફ્રૅન્ચાઇઝીનો સહ-માલિક બન્યો રિષભ પંત
મુંબઈની પ્રતિષ્ઠિત ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (CCI)માં આજથી ભારતની પહેલી ફ્રૅન્ચાઇઝી આધારિત પિકલબૉલ લીગ શરૂ થઈ રહી છે. ૨૪ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી દરમ્યાન આ ટુર્નામેન્ટમાં છ ટીમો વચ્ચે ટક્કર થશે જેને ફૅનકોડ ઍપ પર જોઈ શકાશે. ભારતીય ટીમનો આક્રમક વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત આ ટુર્નામેન્ટમાં મુંબઈ પિકલ પાવર ફ્રૅન્ચાઇઝીનો સહ-માલિક બન્યો છે. આ વિશે વાત કરતાં રિષભ પંત કહે છે કે ‘પિકલબૉલ વિશે ઘણો ઉત્સાહ છે અને મને વ્યક્તિગત રીતે એ ગમે છે. હું વર્લ્ડ પિકલબૉલ લીગમાં જોડાવા માગતો હતો જેથી આ રમતને આગલા સ્તર પર લઈ જઈ શકાય.’