કેરલા માટે કૅપ્ટન સચિન બેબીએ ૨૩૫ બૉલમાં ૧૦ ચોગ્ગાની મદદથી ૯૮ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. યજમાન વિદર્ભ ત્રીજા દિવસના અંતે ૩૭ રનની લીડ મેળવવામાં સફળ રહ્યું હતું.
કેરલા માટે કૅપ્ટન સચિન બેબીએ રમી હતી સૌથી મોટી ૯૮ રનની ઈનિંગ્સ.
રણજી ટ્રોફી 2024-`25ની ફાઇનલ મૅચનો ત્રીજો દિવસ રોમાંચક રહ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં વિદર્ભ દાનિશ માલેવારના ૧૫૩ રન અને કરુણ નાયરના ૮૬ રનની ઇનિંગ્સની મદદથી ૧૨૩.૧ ઓવરમાં ૩૭૯ રન કરીને ઑલઆઉટ થયું હતું. એની સામે ૧૩૧/૩ના સ્કોરથી દિવસની શરૂઆત કરનાર કેરલા ત્રીજા દિવસે ૩૪૨ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. કેરલા માટે કૅપ્ટન સચિન બેબીએ ૨૩૫ બૉલમાં ૧૦ ચોગ્ગાની મદદથી ૯૮ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. યજમાન વિદર્ભ ત્રીજા દિવસના અંતે ૩૭ રનની લીડ મેળવવામાં સફળ રહ્યું હતું. આજે ચોથા દિવસની શરૂઆત વિદર્ભની બીજી ઇનિંગ્સથી થશે.
પુણેના બાવીસ વર્ષના હર્ષ દુબેએ રણજી સીઝનની સૌથી હાઇએસ્ટ વિકેટનો રેકૉર્ડ બનાવ્યો
વિદર્ભના બાવીસ વર્ષના ડાબોડી સ્પિનર હર્ષ દુબેએ કેરલા સામે ૪૪ ઓવરમાં ૮૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે આ રણજી સીઝનમાં સૌથી વધુ ૬૯ વિકેટ લઈને એક રણજી સીઝનમાં હાઇએસ્ટ વિકેટ લેવાનો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. 2018-’19નો બિહારના સ્પિનર આશુતોષ અમનનો ૬૮ વિકેટનો રેકૉર્ડ પુણેના આ સ્પિનરે તોડ્યો છે. તેણે શિસ્તબદ્ધ બોલિંગ કરીને ૧૧ ઓવર મેઇડન પણ કરી હતી.

