મધ્ય પ્રદેશ સામે બીજા દિવસે ૧૦ ઓવરમાં ૨૦ રન આપીને ૪ વિકેટ ઝડપી
મોહમ્મદ શમી
મોહમ્મદ શમીએ ગઈ કાલે બંગાળ વતી રમતી વખતે રણજી ટ્રોફીની મૅચમાં તરખાટ મચાવ્યો હતો. ઇન્દોરમાં મધ્ય પ્રદેશ સામે શરૂ થયેલી પાંચમા રાઉન્ડની રણજી મૅચમાં પહેલા દિવસે તેણે ૯ ઓવરમાંથી એક ઓવર મેઇડન કરી હતી અને ૩૪ રન આપી વિકેટલેસ રહ્યો હતો. જોકે બીજા દિવસે તેણે ૧૦ ઓવરમાં ૨૦ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. તેણે કૅપ્ટન સહિત ત્રણ બૅટરને બોલ્ડ કર્યા હતા અને એક બૅટરને બંગાળના વિકેટકીપર વૃદ્ધિમાન સહાના હાથે કૅચઆઉટ કરાવ્યો હતો.
મધ્ય પ્રદેશ સામે પહેલી ઇનિંગ્સમાં ૧૯ ઓવરમાં ચાર મેઇડન ઓવર, ચાર વિકેટ અને માત્ર ૫૪ રન આપીને તેણે બાવીસમી નવેમ્બરથી શરૂ થતી ઑસ્ટ્રેલિયા સામેની BGT માટે જબરદસ્ત દાવેદારી નોંધાવી છે. અહેવાલ અનુસાર જો તે બીજી ઇનિંગ્સમાં પણ શાનદાર પ્રદર્શન કરશે અને મૅચ બાદ પણ ફિટ હશે તો તે ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મૅચની સિરીઝમાં પણ સરપ્રાઇઝ એન્ટ્રી મારી શકે છે. શમીના નાના ભાઈ મોહમ્મદ કૈફે પહેલી ઇનિંગ્સમાં ૧૪ ઓવરમાં ૩૫ રન આપી બે વિકેટ ઝડપી છે. બીજા દિવસના અંતે બંગાળ પાસે ૨૩૧ રનની લીડ છે.