૨૭ વર્ષના ઓપનિંગ બૅટર અભિમન્યુ ઈશ્વરનના પિતાએ દેહરાદૂનમાં સ્ટેડિયમ બનાવી એને પુત્રનું નામ આપ્યું, જે આજથી બેંગાલ વતી ઉત્તરાખંડ સામે રમશે
Ranji Trophy
પિતાએ બનાવ્યું સ્ટેડિયમ, પુત્ર આજથી એમાં રમશે રણજી મૅચ!
૨૦૦૫માં રંગનાથન પરમેશ્વરન ઈશ્વરને દેહરાદૂનમાં જમીનનો મોટો પ્લૉટ ખરીદ્યો હતો અને એના પર પોતાના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું ત્યારે તેમણે કલ્પન નહીં કરી હોય કે એક દિવસ તેમનો જ પુત્ર આ સ્ટેડિયમના મેદાન પર રણજી ટ્રોફીની મૅચ રમશે. નવાઈ લાગે એવી આ વાત હકીકત છે, કારણ કે તેમનો ૨૭ વર્ષનો દીકરો અભિમન્યુ ઈશ્વરન આજે પોતાના જ નામના આ સ્ટેડિયમમાં બેંગાલ વતી રમશે.
પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ રંગનાથન ઈશ્વરને પોતે બનાવડાવેલા આ સ્ટેડિયમને પુત્રનું નામ (અભિમન્યુ ક્રિકેટ ઍકૅડેમી સ્ટેડિયમ) આપ્યું છે અને અભિમન્યુ ત્યાં યજમાન રાજ્ય ઉત્તરાખંડની ટીમ સામે બેંગાલને જિતાડવા કોઈ કસર નહીં છોડે. ગયા અઠવાડિયે બેંગાલની નાગાલૅન્ડ સામે જે રણજી મૅચ રમાઈ એમાં બેંગાલે અભિમન્યુના ૧૭૦ રનની મદદથી એક દાવથી હરાવ્યું હતું.
ADVERTISEMENT
ટેસ્ટ માટેની સ્ક્વૉડમાં હતો
ઓપનિંગ બૅટર ઈશ્વરને ૭૯ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૧૯ સદીની મદદથી કુલ ૫૭૪૬ રન બનાવ્યા છે. તાજેતરમાં ભારતની બંગલાદેશ સામે જે ટેસ્ટ-સિરીઝ રમાઈ એ માટેની સ્ક્વૉડમાં ઈશ્વરનનો સમાવેશ થયો હતો. જોકે તેને એકેય મૅચ રમવા નહોતી મળી.
સામાન્ય રીતે સ્ટેડિયમને નામાંકિત ક્રિકેટર કે વહીવટકર્તા કે રાજકીય સ્તરના કોઈ મુત્સદ્દીનું નામ અપાતું હોય છે, પરંતુ હજી ભારત વતી કરીઅર જ શરૂ ન કરનાર ઈશ્વરનને પોતાના જ નામે બનેલા સ્ટેડિયમમાં રમવાનો અવસર મળી રહ્યો છે. તેના પિતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. તેમણે પ્લૉટ ખરીદવાથી માંડીને સ્ટેડિયમ બંધાવવા પાછળ પોતાની મૂડીમાંથી જ ખર્ચ કર્યો છે અને હજી પણ પોતાના ખર્ચે સ્ટેડિયમને અપગ્રેડ કરી રહ્યા છે.
અહીં જ રમીને મોટો થયો
રાઇટ-હૅન્ડ બૅટર ઈશ્વરનનો જન્મ ૧૯૯૫માં દેહરાદૂનમાં થયો હતો. ગઈ કાલે તેણે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘મારા પિતાએ મારા નામે જે સ્ટેડિયમ બનાવ્યું છે એમાં મને રણજી મૅચ રમવાનો અવસર મળી રહ્યો છે એ બદલ હું રોમાંચિત અને બેહદ ખુશ છું. હું ગર્વ પણ મહેસૂસ કરી રહ્યો છું. ટીનેજ વયથી હું આ સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર રમીને જ ફર્સ્ટ ક્લાસ સ્તરનો ક્રિકેટર બન્યો છું. આ અવસર માટે હું પિતાનો સૌથી વધુ આભારી છું. ક્રિકેટ પ્રત્યેના તેમના પૅશન અને તેમની તનતોડ મહેનતનું જ આ સુંદર પરિણામ છે.’
મારી મમ્મી પંજાબી અને પપ્પા તામિલિયન છે એટલે મારું નામ પાડતી વખતે તેઓ થોડા મૂંઝવણમાં હતા. છેવટે તેમણે અભિમન્યુ નામ પસંદ કર્યું, કારણ કે આ નામ બન્ને ભાષાના સમુદાયમાં પ્રચલિત છે. - અભિમન્યુ ઈશ્વરન