મેઘાયલની ટીમ સામે મુંબઈ પાસે છે ૫૮૫ રનની લીડ, જીત માટે ૮ વિકેટની જરૂર
સિદ્ધેશ લાડ : ૧૪૫ રન, શમ્સ મુલાની : ૧૦૦ રન અણનમ, આકાશ આનંદ : ૧૦૩ રન (તસવીરો : અનુરાગ અહિરે)
રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં હાલમાં તમામ ટીમ પોતાની ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચ રમી રહી છે, જેમાં મુંબઈની ટીમે મેઘાલય સામે ૫૮૫ રનની લીડ મેળવી છે અને જીતથી ૮ વિકેટ દૂર છે. પહેલી ઇનિંગ્સમાં ૮૬ રન કરનાર મેઘાલય સામે મુંબઈની ટીમે ૧૪૦.૫ ઓવરમાં ૬૭૧/૭ના સ્કોર પર પોતાની ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજા દિવસના અંતે મેઘાયલની ટીમે બીજી ઇનિંગ્સમાં ૬ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૨૭ રન કર્યા હતા.
મુંબઈના કૅપ્ટન અજિંક્ય રહાણે (૯૬ રન) બાદ આકાશ આનંદ (૧૦૩ રન), શમ્સ મુલાની (૧૦૦ રન અણનમ) અને સિદ્ધેશ લાડ (૧૪૫ રન)ની સેન્ચુરી ઉપરાંત શાર્દૂલ ઠાકુર (૮૪ રન) અને સૂર્યાંશ શેગડે (૬૧ રન)ની ફિફ્ટીની મદદથી મુંબઈએ વિશાળ સ્કોર ખડકી દીધો હતો. પહેલી ઇનિંગ્સમાં હૅટ-ટ્રિક લેનાર શાર્દૂલ ઠાકુરે બીજી ઇનિંગ્સમાં મેઘાલયની બે વિકેટ પહેલી જ ઓવરમાં ઝડપી લીધી હતી.
ADVERTISEMENT
બે દિવસમાં ૮ બૅટર બન્યા નર્વસ-નાઇન્ટીનો શિકાર
મુંબઈના કૅપ્ટન અજિંક્ય રહાણે મેઘાલય સામે ૧૧ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૭૭ રન ફટકારીને ૯૬ રનનો સ્કોર પર આઉટ થયો હતો. રણજી ટ્રોફીના ગ્રુપ-સ્ટેજની આ અંતિમ મૅચના બે જ દિવસમાં કુલ ૮ બૅટર નર્વસ-નાઇન્ટીનો શિકાર બન્યા છે. સૌરાષ્ટ્રનો ચેતેશ્વર પુજારા (૧૬૭ બૉલમાં ૯૯ રન) આસામ સામે, કર્ણાટકનો કૅપ્ટન મયંક અગ્રવાલ (૧૪૯ બૉલમાં ૯૧ રન) હરિયાણા સામે, દિલ્હીનો કૅપ્ટન આયુષ બડોની (૭૭ બૉલમાં ૯૯ રન) રેલવેઝ સામે, રેલવેઝનો વિકેટકીપર-બૅટર ઉપેન્દ્ર યાદવ (૧૭૭ બૉલમાં ૯૫ રન) દિલ્હી સામે, ચંડીગઢનો અર્મિત લુબાના (૧૭૦ બૉલમાં ૯૨ રન) અને આયુષ પાંડે (૧૮૫ બૉલમાં ૯૯ રન) છત્તીસગઢ સામે, જ્યારે રાજસ્થાનનો અભિજિત તોમર (૧૮૮ બૉલમાં ૯૪ રન) આંધ્ર પ્રદેશ સામે નર્વસ-નાઇન્ટીનો શિકાર બન્યા હતા.

