વિદર્ભના ૩૮૩ રન સામે બીજા દિવસે મુંબઈએ ૧૮૮ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી: નાગપુરના લોકલ સ્પિનરે એક ઓવરમાં ત્રણ ભારતીય ધુરંધરોને આઉટ કર્યા
એક ઓવરમાં ત્રણ સ્ટાર ક્રિકેટરની વિકેટ લીધા બાદ પાર્થ રેખાડેએ વિદર્ભના સાથી પ્લેયર્સ સાથે વિકેટની ઉજવણી કરી.
રણજી ટ્રોફીની સેમી-ફાઇનલના બીજા દિવસે વિદર્ભના પ્રથમ દાવના ૩૮૩/૧૦ સ્કોરના જવાબમાં મુંબઈએ બીજા દિવસના અંતે ૭ વિકેટે ૧૮૮ રન બનાવ્યા છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ આ મૅચમાં હજી ૧૯૫ રન પાછળ છે.
૩૦૮/૫ના સ્કોરથી બીજા દિવસની રમતની શરૂઆત કરનાર વિદર્ભે ૭૫ રન ઉમેરીને બાકીની પાંચ વિકેટ ગુમાવી હતી. પહેલા દિવસે બે વિકેટ લેનાર શિવમ દુબેએ બીજા દિવસે ત્રણ વિકેટ ઝડપી હતી. ૧૧.૫ ઓવરમાં ૪૯ રનમાં પાંચ વિકેટ લઈને શિવમ દુબેએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
પાર્થ રેખાડેએ મુંબઈના કૅપ્ટન અજિંક્ય રહાણે (૨૪ બૉલમાં ૧૮ રન), સૂર્યકુમાર યાદવ (શૂન્ય) અને શિવમ દુબે (શૂન્ય)ને આઉટ કરીને તરખાટ મચાવ્યો હતો.
મુંબઈનો સ્કોર ૧૧૩/૨ હતો ત્યારે નાગુપરના પચીસ વર્ષના લોકલ સ્પિનર પાર્થ રેખાડેએ એક ઓવરમાં ત્રણ વિકેટ લઈને બાજી પલટી હતી. તેણે ૪૧મી ઓવરના પહેલા, ત્રીજા અને પાંચમા બૉલે અનુક્રમે મુંબઈના કૅપ્ટન અજિંક્ય રહાણે (૨૪ બૉલમાં ૧૮ રન), સૂર્યકુમાર યાદવ (શૂન્ય) અને શિવમ દુબે (શૂન્ય)ને આઉટ કરીને તરખાટ મચાવ્યો હતો. ત્યાર બાદ શાર્દૂલ ઠાકુરે ૪૧ બૉલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૭ રનની ઇનિંગ્સ રમીને સ્થિતિ સંભાળી હતી. આજે ત્રીજા દિવસે ઓપનર આકાશ આનંદ (૧૭૧ બૉલમાં ૬૭ રન) અને તનુષ કોટિયન (નવ બૉલમાં પાંચ રન) મુંબઈની ઇનિંગ્સને આગળ વધારશે.
ગુજરાત સામે બીજા દિવસે કેરલાએ ૨૧૨ રન ઉમેરીને સ્કોર ૪૦૦ને પાર પહોંચાડ્યો
અમદાવાદમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની સેમી-ફાઇનલ મૅચમાં કેરલાએ ગુજરાત સામે બીજા દિવસે પહેલી ઇનિંગ્સમાં ૭ વિકેટ ગુમાવીને ૪૧૮ રનનો સ્કોર બનાવ્યો છે. અનુકૂળ બૅટિંગ પરિસ્થિતિમાં કેરલાના બૅટિંગ અભિગમ પર પ્રશ્ન ઉઠાવી શકાય છે. પ્રથમ દિવસે ૪ વિકેટ ગુમાવીને ૨૦૬ રન બનાવ્યા બાદ ટીમે મંગળવારે વધુ ૩ વિકેટ ગુમાવીને પણ ફક્ત ૨૧૨ રન જ ઉમેર્યા હતા. કૅપ્ટન સચિન બેબી (૧૯૫ બૉલમાં ૬૯ રન) બીજા દિવસે પોતાના સ્કોરમાં કોઈ રન ઉમેરી શક્યો નહીં, પણ વિકેટકીપર-બૅટર મોહમ્મદ અઝહરુદ્દીન ૩૦૩ બૉલમાં ૧૭ ચોગ્ગાની મદદથી ૧૪૯ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. ગુજરાતની ટીમ આઠ બોલર્સનો ઉપયોગ કરીને પણ બે દિવસમાં આ ટીમને ઑલઆઉટ નથી કરી શકી.

