બીજી ઇનિંગ્સમાં ૩૭ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ પણ રમ્યો, ઇન્દોરમાં મધ્ય પ્રદેશ સામે આયોજિત પાંચમા રાઉન્ડની રણજી મૅચમાં બંગાળે ૧૧ રને જીત મેળવી છે. છેલ્લાં ૧૫ વર્ષમાં મધ્ય પ્રદેશ પર બંગાળની ટીમની આ પ્રથમ જીત છે.
મોહમ્મદ શમી
ઇન્દોરમાં મધ્ય પ્રદેશ સામે આયોજિત પાંચમા રાઉન્ડની રણજી મૅચમાં બંગાળે ૧૧ રને જીત મેળવી છે. છેલ્લાં ૧૫ વર્ષમાં મધ્ય પ્રદેશ પર બંગાળની ટીમની આ પ્રથમ જીત છે. આ મૅચમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું. ૩૬૦ દિવસ બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરતાં તેણે કમબૅક મૅચમાં ૪૩.૨ ઓવર ફેંકીને ૧૫૬ રન આપીને ૭ વિકેટ લઈને તેણે ટીમની જીતનો માર્ગ સરળ બનાવ્યો હતો. ઇન્જરી બાદ ડોમેસ્ટિક ક્રિકેટની જેમ તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પણ સરપ્રાઇઝ એન્ટ્રીના સંકેત આપ્યા છે. ઑસ્ટ્રેલિયામાં આયોજિત પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝની ભારતીય સ્ક્વૉડમાં તેની એન્ટ્રીની શક્યતાઓ વધી ગઈ છે.
શમીએ મધ્ય પ્રદેશના પ્રથમ દાવમાં ૧૯ ઓવર નાખી અને ૫૪ રનમાં ચાર વિકેટ લીધી, જ્યારે બીજા દાવમાં ૨૪.૨ ઓવર ફેંકી અને ૧૦૨ રનમાં ત્રણ વિકેટ લીધી છે. આ સિવાય બીજા દાવમાં બૅટિંગ કરતાં ૩૬ બૉલમાં મહત્ત્વપૂર્ણ ૩૭ રન બનાવ્યા હતા. બંગાળના કોચ લક્ષ્મીરતન શુક્લાએ બોલિંગની પ્રશંસા કરીને ભારતીય ટીમમાં તેની વાપસીની આશા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ‘મેં કોઈ પણ ફાસ્ટ બોલરનું આવું જબરદસ્ત કમબૅક ક્યારેય નથી જોયું. રમત પ્રત્યે અદ્ભુત સમર્પણ બતાવ્યું. તેનું પ્રદર્શન જોઈને ખબર પણ ન પડી કે તે એક વર્ષ પછી મેદાનમાં પાછો ફર્યો છે. તે ભાગ્યે જ મૅચ દરમ્યાન મેદાનની બહાર આવ્યો. તે ભારતીય ટીમ માટે ફિટ છે.’