જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર યુદ્ધવીર સિંહે મુંબઈની સ્ટાર પ્લેયર્સવાળી ટીમ સામે સાત વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો
મૅચની વચ્ચે ભારતીય કૅપ્ટન રોહિત શર્માને મળવા મેદાનમાં પહોંચ્યો ફૅન.
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે મુંબઈની ટીમે રણજી ટ્રોફી મૅચમાં જમ્મુ-કાશ્મીર સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્રુપ Aમાં જમ્મુ-કાશ્મીર ૨૯ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે પહોંચી છે, જ્યારે બરોડા (૨૭ પૉઇન્ટ) બાદ મુંબઈની ટીમ બાવીસ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. જમ્મુ-કાશ્મીર માટે આ જીત ઐતિહાસિક હતી, કારણે આ ટીમે એક દાયકા પછી ૪૨ વખતની રણજી ચૅમ્પિયન સામે જીત મેળવી છે. ટીમે અગાઉ ડિસેમ્બર ૨૦૧૪માં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈને રણજી મૅચમાં ચાર વિકેટે હરાવ્યું હતું.
રણજી ટ્રોફીના બીજા રાઉન્ડની શરૂઆતની મૅચમાં પહેલી ઇનિંગ્સમાં મુંબઈ ૧૨૦ અને જમ્મુ-કાશ્મીરે ૨૦૬ રન કર્યા હતા. ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં મુંબઈની ટીમ ૨૯૦ રનમાં સમેટાઈ જતાં જમ્મુ-કશ્મીરને ૨૦૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેમણે ૪૯ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૦૭ રન બનાવી ચેઝ કરી લીધો હતો.
ADVERTISEMENT
ગઈ કાલે ૨૭૪/૭ના સ્કોરથી રમતની શરૂઆત કરનાર મુંબઈની ટીમ ૭૪ ઓવરમાં ૨૯૦ રન કરી શકી હતી. શાર્દૂલ ઠાકુર (૧૧૯ રન) અને તનુષ કોટિયન (૬૨ રન)એ આઠમી વિકેટ માટે ૧૮૩ રનની ભાગીદારી કરીને મુંબઈને મૅચમાં વાપસી કરવામાં મદદ કરી. બીજી ઇનિંગ્સમાં સ્પિનર શમ્સ મુલાનીની ચાર વિકેટ છતાં મુંબઈની ટીમ ટાર્ગેટ ડિફેન્ડ કરી શકી નહોતી.
જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર યુદ્ધવીર સિંહે મુંબઈની સ્ટાર પ્લેયર્સવાળી ટીમ સામે સાત વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તેણે આ મૅચમાં યશસ્વી જાયસવાલ, રોહિત શર્મા, શ્રેયસ ઐયર અને શાર્દૂલ ઠાકુરની વિકેટ પણ લીધી હતી. ૩૦ જાન્યુઆરીએ મુંબઈ પોતાની આગામી મૅચ મેઘાલય અને જમ્મુ-કાશ્મીરની ટીમ બરોડા સામે રમશે.