દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચેની મૅચ બે જ દિવસમાં સમાપ્ત : ૧૨ વિકેટ લઈને બાપુ બન્યા પ્લેયર ઑફ ધ મૅચ : પહેલી ઇનિંગ્સમાં એક રન બનાવ્યા બાદ બીજી ઇનિંગ્સમાં ફક્ત ૧૭ રન બનાવી શક્યો પંત
ગઈ કાલે મૅચ બાદ મસ્તી કરતા જોવા મળ્યા હતા રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા.
રાજકોટમાં રમાયેલી સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચેની રણજી ટ્રોફીની મૅચ માત્ર બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રની ટીમે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શનની મદદથી ૧૦ વિકેટે જીત નોંધાવી હતી. કુલ ૧૨ વિકેટ લઈને જાડેજા આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. પહેલી ઇનિંગ્સમાં દિલ્હીનો સ્કોર ૧૮૮ અને સૌરાષ્ટ્રનો ૨૭૧ રન રહ્યો હતો. બીજી ઇનિંગ્સમાં દિલ્હી ૯૪ રનમાં સમેટાઈ જતાં યજમાન ટીમને ૧૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને સૌરાષ્ટ્રે ૩.૧ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૧૫ રન બનાવીને ચેઝ કર્યો હતો.
ADVERTISEMENT
રવીન્દ્ર જાડેજાએ પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધા બાદ ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં પણ સાત વિકેટ લીધી હતી.
રવીન્દ્ર જાડેજાએ પહેલી ઇનિંગ્સમાં ૧૭.૪ ઓવરમાં ૬૬ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં તેણે ૧૨.૨ ઓવરમાં ૩૮ રન આપીને સાત વિકેટ લીધી હતી. આ મૅચ દરમ્યાન તેણે રણજી ટ્રોફીમાં ૨૦૦ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી છે.
પહેલી ઇનિંગ્સમાં ૧૦ બૉલમાં એક રન કરનાર દિલ્હીનો વિકેટકીપર-બૅટર રિષભ પંત બીજી ઇનિંગ્સમાં ૨૬ બૉલમાં એક ચોગ્ગાની મદદથી ૧૭ રન બનાવી શક્યો હતો.