કુલ નવ મૅચમાંથી વિદર્ભ આઠ મૅચ જીત્યું છે અને એક ડ્રૉ રહી, જ્યારે કેરલા માત્ર ત્રણ મૅચ જીત્યું અને છ મૅચ ડ્રૉ રહી
વિદર્ભની ટીમ આ સીઝનમાં અજેય રહી છે, કેરલાની ટીમ પણ આ સીઝનમાં અજેય રહી છે.
નાગપુરના વિદર્ભ ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં આજથી રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની પાંચ દિવસની ફાઇનલ મૅચ શરૂ થશે. પહેલી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચનારા કેરલાને ચોથી વખત ફાઇનલ રમી રહેલું વિદર્ભ હોમ ગ્રાઉન્ડની પરિસ્થિતિ અને પ્લેયર્સના શાનદાર ફૉર્મની મદદથી જબરદસ્ત પડકાર આપશે.
૨૦૧૭-’૧૮ અને ૨૦૧૮-’૧૯નું રણજી ચૅમ્પિયન વિદર્ભ આ સીઝનમાં નવમાંથી આઠ મૅચ જીત્યું છે અને એક મૅચ ડ્રૉ રહી છે. ગ્રુપ-સ્ટેજમાં સાતમાંથી છ મૅચ જીતનારું વિદર્ભ આ સીઝનમાં અજેય રહ્યું છે. કેરલા પણ આ સીઝનમાં અજેય રહ્યું છે, પણ એની નવમાંથી માત્ર ત્રણ મૅચ જીત્યું છે અને છ મૅચ ડ્રૉ રહી છે. આ ટીમ ક્વૉર્ટર-ફાઇનલમાં જમ્મુ-કાશ્મીર અને સેમી-ફાઇનલમાં ગુજરાત સામે રમેલી ડ્રૉ મૅચમાં પહેલી ઇનિંગ્સની નજીવી લીડના આધારે ફાઇનલ સુધી પહોંચી છે.

