આવતી કાલથી પંજાબ સામે રાજકોટમાં ક્વૉર્ટર ફાઇનલ : સુપરસ્ટાર્સની ગેરહાજરીમાં અર્પિત વસાવડા ઍન્ડ કંપનીની ફરી કસોટી
Ranji Trophy
સૌરાષ્ટ્રના બોલર્સમાં સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજા (ડાબે)ની ૨૯ વિકેટ હાઇએસ્ટ છે. ઑફ-સ્પિનર યુવરાજસિંહ ડોડિયા (જમણે)એ ફક્ત પાંચ મૅચમાં ૨૬ વિકેટ લીધી છે.
દેશની સૌથી મોટી ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં ૨૦૧૩થી ૨૦૧૯ સુધી ત્રણ વખત રનર-અપ રહ્યા પછી ૨૦૨૦માં પહેલી વાર ચૅમ્પિયન બનેલા સૌરાષ્ટ્રએ ફરી એક વાર નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચીને હરીફ ટીમને ચેતવી દીધી છે. અર્પિત વસાવડાના સુકાનમાં સૌરાષ્ટ્રની ટીમે આ વખતની સીઝનમાં ધીમી શરૂઆત કર્યા બાદ ૩૦ ડિસેમ્બરે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના મેદાન પર મુંબઈને ઐતિહાસિક સૌપ્રથમ વાર હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. એ વિજયે સૌરાષ્ટ્રને નૉકઆઉટમાં પહોંચવા માટેના પથ પર લાવી દીધું હતું.
ત્યાર પછી દિલ્હી (જેણે થોડા દિવસ પહેલાં મુંબઈને ૪૩ વર્ષે પહેલી વાર હરાવ્યું)ને અને હૈદરાબાદને હરાવીને સૌરાષ્ટ્રએ પ્રગતિને ગતિ આપી હતી. આંધ્ર તથા તામિલનાડુ સામેની હાર સૌરાષ્ટ્રની ટીમના ઉત્સાહને થોડો ધક્કો પહોંચાડનારી કહી શકાય, પરંતુ આ બધા ઉતાર-ચડાવ વચ્ચે અર્પિત તેમ જ જયદેવ ઉનડકટ અને છેલ્લે રવીન્દ્ર જાડેજાના સુકાનમાં રમેલી સૌરાષ્ટ્રની ટીમ ગ્રુપ ‘બી’માં મોખરે રહીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ.
ADVERTISEMENT
સ્ટાર્સ નથી, અર્પિત ફરી સુકાની
આવતી કાલથી રાજકોટમાં સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે પાંચ દિવસીય ક્વૉર્ટર ફાઇનલ શરૂ થશે. અર્પિત વસાવડા સૌરાષ્ટ્રનો અને મનદીપ સિંહ પંજાબનો સુકાની છે. રવીન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ અને ચેતેશ્વર પુજારા ઑસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ-સિરીઝ માટેની પ્રૅક્ટિસમાં વ્યસ્ત થઈ ગયા હોવાથી નથી રમવાના એટલે અર્પિતે ફરી એક વાર જવાબદારીના બોજ વચ્ચે ટીમને સફળતા અપાવવાની પરીક્ષા આપવી પડશે.
ધર્મેન્દ્રસિંહ જાડેજા સૌથી સફળ
રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં બીજા લેફ્ટ-સ્પિનિંગ ઑલરાઉન્ડર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ટીમને ઘણી સફળતા અપાવી છે. તેણે ૭ મૅચમાં લીધેલી ૨૯ વિકેટ સૌરાષ્ટ્રના બોલર્સમાં હાઇએસ્ટ છે.
ડોડિયાની પાંચ મૅચમાં ૨૬ વિકેટ
નવા ઑફ-સ્પિનર યુવરાજસિંહ ડોડિયાનો પણ સૌરાષ્ટ્રને ક્વૉર્ટરમાં પહોંચાડવામાં મોટો ફાળો છે. તેણે માત્ર પાંચ મૅચમાં ૨૬ વિકેટ લીધી છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પિચ પર રફ બનાવેલા ભાગ પર બૉલ ફેંકીને ડોડિયાએ ઘણી વિકેટ મેળવી છે. મુંબઈ સામેની મૅચમાં તેણે સરફરાઝ ખાનને બન્ને દાવમાં આઉટ કરવા ઉપરાંત સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જૈસવાલની પણ વિકેટ લીધી હતી.
સૌરાષ્ટ્રનો મદાર બૅટર્સમાં ખાસ કરીને ઓપનર-વિકેટકીપર હાર્વિક દેસાઈ તેમ જ ચિરાગ જાની, શેલ્ડન જેક્સન, ખુદ અર્પિત તેમ જ જય ગોહિલ તથા પ્રેરક માંકડ વગેરે પર વધુ છે.
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની મૅચો પાંચ દિવસની જ હોવી જોઈએ. જેમ પાંચ દિવસની ટેસ્ટમાં મોટા ભાગે પરિણામ સંભવ હોય છે એમ રણજી ટ્રોફીના લીગ રાઉન્ડની બધી મૅચો પાંચ દિવસની હોવી જોઈએ. - અજિંક્ય રહાણે
આવતી કાલથી ક્વૉર્ટર ફાઇનલઃ પ્લેટ ગ્રુપમાં બિહાર ચૅમ્પિયન
રણજી ટ્રોફીના એલીટ ગ્રુપમાં આવતી કાલે સવારે ૯.૦૦ વાગ્યે પાંચ-દિવસીય ક્વૉર્ટર ફાઇનલ શરૂ થઈ રહી છે જેની ઇક્વેશન આ મુજબ છે :
રાજકોટમાં સૌરાષ્ટ્ર v/s પંજાબ, કલકત્તામાં બેંગોલ v/s ઝારખંડ, બૅન્ગલોરમાં કર્ણાટક v/s ઉત્તરાખંડ અને ઇન્દોરમાં મધ્ય પ્રદેશ v/s આંધ્ર.
પ્લેટ ગ્રુપ (ઊતરતા ક્રમની ટીમો વચ્ચેના ગ્રુપ)ની ફાઇનલમાં બિહારે ગઈ કાલે મણિપુરને ૨૨૦ રનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.